Tuesday, April 22, 2025

લોકપ્રશ્નો પ્રત્યે અધિકારીઓને સંવેદનશીલ અભિગમ દાખવવા મંત્રી બ્રિજેશ મેરજાની તાકીદ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આજે રોજ શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મહેસુલી અધિકારી તેમજ સંકલનના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજીત બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મહેસુલી તેમજ સંકલનના તમામ અધિકારીઓને લોકપ્રશ્નો અંગે સંવેદનશીલ અભિગમ દાખવવા તાકીદ કરી, પ્રજાના પ્રશ્નો અંગે ત્વરીત નિર્ણય લેવા અને રાજ્ય સરકારના લક્ષ્યાંકોને પાર પાડવા અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોની પ્રાથમિક સુવિધાઓને સ્પર્શતા પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવા સુચનાઓ આપી હતી.

આ બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા બેઠકની પૂર્વ ભૂમિકા આપવામાં આવી હતી. મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા મોરબી જિલ્લામાં મહેસુલ વિભાગની કચેરીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જે અંતર્ગત જિલ્લામાં રેવન્યુના કામો અંગે તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રગતિ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરી હતી.

મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા દ્વારા રજૂ થયેલ પ્રેઝેન્ટેશનમાં ખેતી, જળાશયો, ઇ-ધરા, કેનાલ, અન્ન અને પુરવઠા સહિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા હાલમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જેવા કે, વીરમગામ સામખીયાળી રેલવે લાઇન ડબલીંગ પ્રોજેક્ટ, રાજકોટ સુરેન્દ્રનગર રેલવે લાઇન ડબલીંગ પ્રોજેક્ટ, લાકડીયા વડોદરા ટ્રાન્સમીનશ લાઇન પ્રોજેક્ટ, ધ્રોલ – આમરણ – માળીયા સેક્શન (ભારત માલા પ્રોજેક્ટ), ગુજરાત સ્ટેટ ઇલે. કોર્પો (સોલાર પાવર પ્રોજેક્ટ) હેઠળની કામગીરી અંગે વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એમ.પી., એમ.એલ.એ. રેફરન્સીંગના પ્રશ્નો, ડિજીટલ સેવા સેતુ, અન્નપૂર્ણા યોજના, કોવીડ વેક્શીનેશન કામગીરી તેમજ આયોજન વિભાગ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મોરબીથી જીવાપર ચકમપર તેમજ મોરબી વાધરવા લોકલ બસ ચાલુ કરવા, શાકમાર્કેટની સ્વચ્છતા અને નવા બાંધકામ સહિતના લોકપ્રશ્નોની પણ ચર્ચા હાથ ધરીને સંલગ્ન અધિકારીઓને કામો પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.  આ બેઠક બાદ મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠક તેમજ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, જિલ્લાની વિવિધ કચેરીના વડાઓ, તેમજ સંગઠનમાંથી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના હોદ્દેદારોએ પણ આ બેઠકમાં સહભાગી થઇ લોકપ્રશ્નોને વાચા આપી હતી.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW