મોરબીમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, પ્રભારી સચિવ મનિષા ચન્દ્રા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આગામી 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા સાંજ સુધીમાં તબીબી ટીમને મોકલવા સરકારે નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યુ હતું. મોરબીમાં હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમજ કોરોના ટ્રીટમેન્ટ માટે નાના કલીનીકો અને નાની હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાને ગઈકાલે 700 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવ્યો હોવાનું અને આવતીકાલે વધુ 700 રેમડેસીવીર ઇન્જેક્શન મોકલાશે તેમ જણાવ્યું હતું. સાથે મોરબીમાં પાટીદાર કોવિડ કેર સેન્ટર જેવી સંસ્થાકીય સેવાની કામગીરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવી હતી.
