મોરબી: રાજસ્થાનમાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રા સ્થળ શ્રીનાથદ્વારા મોરબીના અનેક શ્રદ્ધાળુઓ વારંવાર જતાં-આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓને શ્રીનાથદ્વારા જવા-આવવામાં સુગમતા રહે તે માટે રાજકોટ શ્રીનાથ દ્વારા વાયા મોરબી એ.સી. સ્લીપિંગ કોચનો બસ રૂટ ચાલુ કરવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મંત્રીને વિગતે રજૂઆત કરી આ બસ રૂટ ચાલુ કરવા માંગણી કરી છે.
વધુમાં બ્રિજેશ મેરજાએ એસ.ટી. ના સત્તાવાળાઓ સમક્ષ મોરબી ડેપોની વિધ્યાર્થીઓ માટેના ૧૦૩ બસ રૂટો, શેડ્યુલ રૂટો ૪૮ તેમજ અન્ય બસ રૂટો મળીને કુલ ૩૪૨ ટ્રીપો નિયમિત ચાલે તે માટે મોરબી ડેપોમાં ડ્રાઈવર અને કંડક્ટરની જે ઘટ છે તે નિવારવી જરૂરી છે. આ અંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ તેમજ એસ.ટી. નિગમના મેનેજિંગ ડિરેક્ટરને ભારપૂર્વક રજૂઆત કરીને વિના વિલંબે આ ખાલી જગ્યાઓ ભરવા ધારાસભ્યએ આગ્રહ સેવ્યો છે. મોરબી એ ઓધ્યોગિક કેન્દ્ર હોય ગામડાઓમાંથી અનેક લોકો રોજગારી માટે મોરબી આવતા – જતાં હોય છે તેમજ વિધ્યાર્થીઓ અને શેડ્યુઅલની ટ્રીપો પણ નિયમિત ચાલે તેમ કરવું જરૂરી છે. ડ્રાઈવર અને કંડક્ટરની ઘટને કારણે વારંવાર નિયત શેડ્યુલ ખોરવાઈ જતું હોય છે. પરિણામે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. આ સ્થિતિ નિવારવા ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે ધારાસભ્યએ માંગણી કરી છે.