મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. વધતાં જતાં સંક્રમણ સાથે લોકોમાં પણ કોરોનાને લઈને ગભરાટ જોવા મળી રહી છે. અને હોસ્પિટલોમાં રોજના અનેક લોકો પોઝિટિવ આવે છે. જ્યારે આ વાયરામાં મોતનો સીલસીલો પણ થોભવાનું નામ નથી લેતો આવી કપરી પરિસ્થિતિના સમયે મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન કરતા બિલ્ડીંગઓએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
જ્યારે લોકો ડોક્ટરોને ભગવાનના દરજે જુવે છે. પણ મોરબીમાં લેબોરેટરી અને સીટી સ્કેન ધારકોએ જાણે બિલ્ડીંગ અને મશીનોનો ખર્ચ કોરોનાનામાંથી કાઢવાનો હોય તેમ આડેધડ ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લેબોરેટરી અને સિટીસ્કેનમાં મજા આવે એવા ભાવ લેવામાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કાલ સુધી જે રિપોર્ટના બે હજાર હતા. તેના આજે ત્રણ અને ચાર હજાર કરી નાખ્યા હોવાનું દર્દીઓએ જણાવ્યું છે.
અને બદલામાં ફક્ત કાચી પહોંચ આપી રહ્યા છે. માણસની આર્થિક સ્થિતિ કે તેની કોઈ અવસ્થા જોવામાં નથી આવી રહી ફક્ત એક જ વાત એડવાન્સ રૂપિયા આપો અને તમારું નામ લખાવો વારો આવે ત્યારે બોલાવવામાં આવશે મોરબીમાં હાલ આવા સિટીસ્કેન ઘારકોની છબી ખરડાઈ રહી છે. કોરોના જેવી મહામારી બીમારીમાં લોકો મદદ માટે સ્વખર્ચે કેમ્પ કોવિડ સેન્ટર ખોલી રહ્યા છે. ત્યારે આવા સીટી સ્કેન કરતા ડોક્ટરો દ્વારા જાણે કમાવવાની મોસમ ખીલી હોય તેમ બેફામ ભાવ લેવામાં આવી રહ્યા છે. જે અત્યંત શરમજનક બાબત છે. ત્યારે જો લેબોરેટરી અને સિટીસ્કેન ધારકો પોતાની નીતિ નહિ બદલે તો દર્દીના સગાઓ દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.