મોરબી જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઇને સરકારી અધિકારી તેમજ પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. મોરબીમાં રાત-દિવસ પ્રજાના રક્ષણ માટે ખડેપગે રહીને ફરજ બજાવતી પોલીસકર્મીઓ કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે પોતાના પરિવારને જોખમમાં મૂકીને લોકો માટે કામ કરે છે. જે પ્રશંસાને પાત્ર છે. અને હાલમાં કોરોના મહામારીમાં અનેક પોલીસકર્મી પણ સંક્રમિત થયા છે.
ત્યારે મોરબી એસપી ઓફિસમઆ રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઈ ચાવડાને તાવ શરદી સહિતના લક્ષણો જણાતા કોવિડ રિપોર્ટ કરવામાં આવતા તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં પીએસઆઇ ચાવડાને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પીએસઆઇ ધનસુખભાઈ ચાવડા કોરોના સામેની લડાઈ હારી જતા અંતિમ શ્વાસ લેતા તેઓનું અવસાન થયું હતું.