મોરબી: અમદાવાદમાં આઈ.એમ.એ હોલ ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં કોરોના કાળમાં વિવિધ સમાજ સેવાઓને ધ્યાને લઈને આઈ.એમ.એ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના કેબીનેટ આરોગ્યમંત્રી રૂષિકેષ પટેલ તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પંડ્યાના હસ્તે એવોર્ડ એનાયત કરી મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ટીમની કામગીરીને બિરદાવી હતી.
મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો.વિજય ગઢીયા (જીવનદિપ હોસ્પિટલ) તથા મંત્રી ડો.દિપક અઘારા (મંગલમ્ હોસ્પિટલ)ની આગેવાનીમાં સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલ સામાજિક સેવાઓને ધ્યાનમાં લઈ સમગ્ર ગુજરાત રાજ્યની સવાસોથી વધુ બ્રાંચ આઈ.એમ.એ ૨૦-૨૧ને ડો.વાય.ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એર્વોડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ કોરોના જેવા કપરાકાળમાં પણ મોરબી આઇ.એમ.એ દ્વારા કરવામાં આવેલ વિવિધ સમાજ સેવાઓને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્ય ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા આપવામાં આવેલ હતો.
આ તકે આઇ.એમ.એ મોરબી બ્રાંચના ૨૦-૨૧ના પ્રમુખ ડો.વિજય ગઢીયા, મંત્રી ડો.દિપક અઘારા તથા સમગ્ર ૨૦-૨૧ ટીમ દ્વારા દરેક આઈ.એમ.એ તબીબો, પરિવારજનો તથા આ ભગીરથકાર્યમાં સહભાગી થયેલ તમામ આગેવાનો, સામાજિક સંસ્થાઓ, કાર્યકતાઓ તથા મોરબીની જનતાનો હ્રદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
