મોરબી: વર્તમાન કોરોના મહામારીના કપરા સમયમાં મોરબી જિલ્લાના વિસ્તારમાં આરોગ્ય સંબંધિત સેવા અને જાગૃતિ બાબતે મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ એન.પરમારે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. અને મોરબી જિલ્લા કલેક્ટરને ખખડાવી નાખવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો હોય તંત્રની આગામી તૈયારી વિશે પુછતાં કલેક્ટર ભાગ્યા હતા.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં મોરબી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બીમારીનું પ્રમાણ ખૂબ વધારે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી ખૂબ જ ઓછી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજની માત્ર ૫૦ થી ૬૦ RT PCR ટેસ્ટ થાય છે. જે વહેલી સવારે ટોકન મળે તો થાય નહીંતર એકાદ કલાક પછી બધા આરોગ્ય કેન્દ્રમાં કીટ ખલાસ થઈ જાય છે. જેના કારણે ઘણા દર્દી ટેસ્ટ ના અભાવે પરેશાન થઈ રહ્યા છે. અને સારવારમાં વિલંબ થાય છે. એક દિવસ ટોકન લેવામાં અને એક દિવસ રિપોર્ટની રાહ જોવામાં એમ બે દિવસ દર્દી પરેશાન થઈ છે. રિપોર્ટના ભાવે ઘણા કોરોના પોઝિટિવ દર્દી એક દવાખાનેથી બીજા દવાખાને ધક્કા ખાય છે. અને કોરોનાનું સંક્રમણ વધારે છે. આ પરિસ્થિતિમાં ઘણા દર્દી ગંભીર પરિસ્થિતિ સુધી રીપોર્ટ કરાવતા નથી. જેથી દરેક સરકારી આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં કીટ ઉપલબ્ધ કરાવવા આવે તેમજ સરકારશ્રીના કોરોના ની ગાઈડલાઈન નું મોરબી જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે બાબુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દર્દીઓની હાલત કફોડી બની છે. બગથળા આરોગ્ય કેન્દ્રમાં માત્ર 35 કીટ આપી હોય જ્યારે દર્દીઓ 200 હોય છે. રજુઆત કરવા છતાં કીટ પુરી આપવામાં નથી આવતી જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આ બાબતે તંત્ર ધ્યાન દોરવામાં આવે તેમ જણાવ્યું હતું. જ્યારે આ અંગે મોરબી ભાજપ શહેર અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર મોરબી જિલ્લાના કલેક્ટરને ખખડાવતા હોય તેવો વિડિયો પણ વાઇરલ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓ મરી જાય પછી કીટ આપવામાં આવશે તેમજ તંત્રની આગામી તૈયારી વિશે બાબુભાઇએ પુછતાં કલેક્ટર ઉભા થઇને ભાગ્યા હતા. બાબુભાઇએ ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક સહાય સવલતો અને સુવિધાઓ આપવામાં આવતી હોય છતાં સરકારી સિવિલમાં સુવિધા ન હોવાથી ખાનગી હોસ્પીટલમાં ટોળા ઉમટે છે.