માળીયામિંયાણા પંથક ઉપર મેઘરાજા રિસાણા હોય તેમ પ્રથમ વરસાદ બાદ આજદીન સુધી ન ડોકાતા ખેડુતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે જુન માસના પ્રથમ વરસાદમાં પંથકમાં ઘણી જગ્યાએ વાવણીકાર્ય થઈ ચુક્યુ છે. ત્યારબાદ ખેડુતોએ મોલને નિંદામણ સહીતની તમામ પ્રકારની માવજત આપી તૈયાર કરી મુક્યા છે અને આ મોલ પર વાવણી બાદ આજદીન સુધી વરસાદ ન પડતા મુરજાતી મૌલતને નવજીવન મળે તેના માટે હાલ આ ઉભા મોલને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.
જેથી મેઘરાજા મનમુકી વરસે તેની સૌ કોઈ આકાશ તરફ મીટ માંડી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ખેડુતના હૈયે ટાઢક આપે તેવા સમાચાર તો છે પરંતુ તે સિસ્ટમની અસર માળીયા પંથક પર ન વર્તાઈ હોય તેમ ટંકારા વાંકાનેર અને હળવદ તાલુકામાં સારો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેને જોતા માળીયા તાલુકા પંથકમાં માત્ર ઝાપટા વરસતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે હાલ લંઘાતા પાક અણી પર રહેલા હોય જે પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.
ત્યારે મોરબી જિલ્લામાં બીજા રાઉન્ડમાં ત્રણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થઈ જતા અને માળીયા પંથક કોરોધાકડ રહી જતા ખેડુતો ચિંતિત બન્યા છે અને હવે માત્ર ખેડુતો આજીજી કરી મેઘરાજા મનમુકી વરસે તેવી પ્રાર્થના કરી આકાશ તરફ મીટ માંડી સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.