માળીયાના વર્ષોમેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના મગજમાં ખૂન્નસ સવાર થયું હતું. ક્રોધિત થયેલા ભાઈએ પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ અંગે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ચક્રો ગતિમાન કરી આરોપીને વર્ષામેડીની સીમમાંથી ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ હાલ મોટા દહીસરા, વિવેકાનંદનગર, બરકતભાઇ ખોજાના મકાનમાં ભાડેથી રહેતા ભાનુબેન વાઘેલાના મરણજનાર પતિ ભરતભાઇ ગંગારામભાઇ વાઘેલા (ઉ.વ.૫૧) વાળાના દીકરા હરેશભાઇએ દોઢેક માસ પહેલા આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઇ માલીયા (રહે.વર્ષામેડી તા.માળીયા(મી) જી.મોરબી) વાળાની બહેન જીજ્ઞાસા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી ફરીયાદી તથા તેના પતિ મોટરસાયકલ લઇને વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા તે વખતે આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી અને ફરિયાદીનાં પતિ ભરતભાઈ વાઘેલાને ડાબા પડખામા બગલ નીચે પાસળીના ભાગે તથા ડાબી બાજુ પીઠના ભાગે છરીના એક-એક જીવલેણ ધા મારી હત્યા કરી નાસી ગયો હતો.
આ બનાવની ફરિયાદનાં આધારે માળીયા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પીડવા તજવીજ હાથ ધરી હતી. માળીયા(મી.) પોલીસ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હોય દરમ્યાન આજરોજ આરોપી દીનેશ ઉર્ફ નીનો પ્રભુભાઇ માલીયા (રહે.વર્ષામેડી તા-માળીયા(મી) જી.મોરબી) વાળાને વર્ષામેડી ગામની સીમમાંથી જંગલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવની આગળની તપાસ માળીયા(મી) પોલીસ સ્ટેશન પીએસઆઈ એન.એચ.ચુડાસમા ચલાવી રહ્યા છે.