મોરબી: મહારાષ્ટ્રથી ટાઇલ્સ ભરવા મોરબી આવ્યા બાદ મોરબીના ખાખરેચી પાટિયા નજીક રોડ ક્રોસ કરીને એડ્રેસ પૂછવા ગયેલ આધેડને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના ઔઢા શિરડ શાહપુરના શિવરાજ ઉર્ફે શિવાજી ચંદ્રકાંત બુરસે (ઉ.વ.30) એ અજણ્યા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ટ્રક ચાલક આરોપી પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી ગત તા.05 ના રોજ ફરિયાદી શિવાજીના કુંટુબી મામા દિપકભાઇ મુંજાજી અકમાર રોડ ક્રોસ કરવા જતાં હતા તે વેળાએ હડફેટે લીધા હતા. જેથી તેને અકસ્માતમાં માથામાં તથા બન્ને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો. આ અંગે શિવાજી બુસરે અજણ્યા ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.