Tuesday, April 22, 2025

દિન બ દિન દીન હીન શક્તિ હીન થતો માણસ

Advertisement
Advertisement
Advertisement

કદમ જેના અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો,

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.

લાખો, કરોડો વર્ષો પૂર્વે આપણાં પૂર્વજો વાંદરા સ્વરૂપે હતા ત્યારે વાંદરા ચાર પગે ચાલતા હતા. એમાંથી એક વાંદરો સાહસિક અને હિંમતવાન નીકળ્યો અને ચારે પગે ચાલવાના બદલે બે પગે ચાલવા લાગ્યો. બસ, ત્યારથી ધીમે ધીમે માનવ જીવનની શરૂઆત થઈ. આદી માનવો અસ્તિત્વમાં આવ્યા. આદી માનવો ગુફામાં રહેવા લાગ્યા. ઝાડની છાલ અને પાંદડાના વસ્ત્રો પહેરવા લાગ્યા. ફળો અને રાંધ્યા વગરનું કાચું ખાતા હતા. ત્યારબાદ અગ્નિની શોધ થઈ. પૈડાંની શોધ થઈ અને માનવ જીવનમાં ક્રાંતિ આવી. ધીમે ધીમે માનવ જીવન સુખ સગવડવાળું, સલામતીવાળું બનતું ચાલ્યું.

ઉંચી વૃત્તિ, ઉંચી કૃતિ, ઉંચા વિચારો હશે,

તે ઘર તણો આદમી જંગલમાં મંગલ કરશે.

જંગલમાં રહી મંગલ કરનારો ગમે તેવી મુસીબતો સામે જીક જીલનારો માનવી, કરોડો વર્ષોની કઠણાઈ ભરી સાહસિક સફર પછી આજે માણસ કોમળ બની ગયો છે, થોડી અગવડો, થોડી મુશ્કેલીઓ, થોડા દુઃખો સામેં લડવાના બદલે બિચારો, બાપડો અને લાચાર બની ગયો હોય એવું લાગી રહ્યું છે.

રામાયણ અને મહાભારત કાળમાં માણસ દિવ્ય શક્તિ ધરાવતો હતો. એ સમયનો માણસ ખૂબ જ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ધરાવતો હતો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સ્થિરતા અને ધીરતા જાળવી રાખતો અને દિવ્ય જીવન જીવતો હતો. ત્યારબાદ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, રાણી લક્ષ્મીબાઈ વગેરે રાજવીઓ પણ પ્રચંડ શક્તિ ધરાવતા હતા. મહારાણા પ્રતાપ જે બખ્તર પહેરતા હતા એનું વજન 72 કિલો હતું અને હાથમાં 81 કિલોનો ભાલો પકડતા હતા. તેઓ ભાલો અને બખ્તર સહિત 153 કિલો અને તલવારના વજન સહિત કુલ 208 કિલો વજન ઉંચકીને યુદ્ધ લડતાં હતા. વિચારો એમની શક્તિ કેવી હશે ? આટલા વજન સાથે આખો દિવસ યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડવું એ કોઈ નાની વાત નહોતી.

માનવ આપ પ્યારે, કામ આપકે ન્યારે,ઇન્દ્રધનુષ કે રંગ ચુરાકે, બનાયે રંગીન નઝારે.

ઈશ્વર તેરી કલા પે જી જાન સે વારે.રુકો કભી ન, થકો કભી ન, ના ઔરો સે કભી હારે.

ત્યારબાદ વિદેશી આક્રમણકારો સામે પણ માણસ મજબુત બની, અડીખમ બની લડ્યો. કાલા પાણીની સજા ભોગવી, જેલમાં રહી ચક્કી પીસવી, કાળી મજૂરી કરવી, રાષ્ટ્ર માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડી જવું… વગેરે અનેક દર્દનાક યાતનો સહન કરીને માતૃભૂમિને હજારો વર્ષોની ગુલામીમાંથી મુક્ત કરી.

પણ..જેમ-જેમ વૈજ્ઞાનિક શોધોનો આવિષ્કાર થતો ગયો તેમ-તેમ માણસ દિન બ દિન દીન હીન ક્ષીણ શક્તિ હીન થતો ગયો છે. એક સમયે માઈલોના માઈલો ચાલતો માણસ આજે એક કિલોમીટર પણ ચાલતો નથી. એક સમયે સો કિલોથી વધુ વજન વહન કરનાર વ્યક્તિ વીસ કિલો વજન પણ ઉપાડી શકતો નથી. એક સમયે આંટી-ઘુંટીવાળી ગણતરી કરી શકતો માણસ સામાન્ય ગુણાકાર કરવા માટે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતો થયો. અડધા, પાયા, પોણાના ઘડિયા કડકડાટ બોલતા માણસને સાદા ઘડિયા બોલવામાં પણ ફાંફાં પડે છે. ધોમધખતા તાપમાં કામ કરતા માણસને ઘરના ટાઢા છાંયામાં પણ ગરમી લાગે છે. એક સમયે એકદમ નિરોગી અને સ્વસ્થ માણસ આજે અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. એક સમયે ખૂબ લાંબુ આયુષ્ય ભોગવનાર માણસનું આયુષ્ય આજે ટૂંકું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જાત જાતની દવાની શોધોના કારણે જરાક શરદી થઈ હોય તો પણ દવાખાને દોડી જનારો માણસ પોતાની અંદરની ઇમ્યુન્ટિ ખોઈ બેઠો છે. એક સમયે ઘસઘસાટ ઊંઘી જતો અને ખડખડાટ હાસ્ય સાથે જીવન જીવતો માણસ આજે ટેંશન અને ફ્રસ્ટેશનમાં જીવતો થયો છે. એક સમયે જીવન ઝંઝાવાતો સામે બાથ ભીડનારો માણસ નાની સરખી નિષ્ફળતાથી આત્મહત્યા કરતો થયો છે. એક સમયે નેકી, ટેકી અને નીતિથી જીવનારા માણસને આજે ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયો છે. શુદ્ધ અને સાત્વિક જીવન જીવતો માણસ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે મરી ફિટનારો માણસ આજે સ્વાર્થી બની, દગા, પ્રપંચ કરી, ખૂની ખેલ ખેલતો થઈ ગયો છે. માણસ વાણી, વર્તન અને વર્તુણુંકથી હીન બન્યો છે. આજે પચાસ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિની વાત કરીએ તો.. એમના દાદા જેટલા સ્વસ્થ અને નિરોગી, મનથી મજબૂત અને તનથી તંદુરસ્ત હતા એટલા એના પિતાશ્રી સ્વસ્થ અને તંદુરસ્ત નથી જેટલા એના પિતાશ્રી સ્વસ્થ અને નિરોગી છે. એટલો પોતે તન-મનથી તંદુરસ્ત નથી અને જેટલો પોતે સ્વસ્થ છે એટલો એમનો પુત્ર કે પુત્રી સ્વસ્થ નથી જેટલા એમના પુત્ર કે પુત્રી નિરોગી છે. એટલા એમના પૌત્ર કે પૌત્રી તંદુરસ્ત નથી. આમ દિન પ્રતિદિન માણસ દીન હીન ક્ષીણ અને શક્તિહીન બનતો જાય છે..!!

અંતમાં એટલું જ કહેવું છે કે….

મંજિલે ઉન્કો મિલતી હૈ જીનકે સપનોમેં જાન હોતી હૈ,પરોં સે કુછ નહીં હોતા હોંસલો સે હી ઉડાન હોતી હૈ.

લેખન :- દિનેશ વડસોલા (જિલ્લા અધ્યક્ષ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી)

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW