જામનગર-લાલપુર હાઇવે રોડ પર ચેલા-ચંગા ગામના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટિંગ લિમિટેડ નામના બ્રાસપાટના એકમમાં આજે શુક્રવારે બપોરે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ થવાના કારણે આગ દુર્ઘટના ઘટી હતી. જેમાં પુઠા પ્લાસ્ટિક વગેરેના પેકેજિંગના જથ્થો આગની ઝપડમાં આવી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.મળતી માહિતી મુજબ, જામનગરમાં ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટિંગ લિમિટેડ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાની સાથે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરોએ આગને કાબુમાં કરવાની જહેમત હાથ ધરી હતી. પરંતુ આગ વિકરાળ બનતા કાલાવડ ફાયર ફાઈટર તેમજ રિલાયન્સના ફાયર ફાઈટરની ટીમ બોલાવામાં આવી હતી.
સમગ્ર ઘટનામાં 15 જેટલા ફાયરના જવાનોએ સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વિકરાળ આગની દુર્ઘટનામાં એક યુનિટનો બ્રાસ સહિતનો સામાન અને મશીનરી વગેરે ભસ્મીભૂત થયા હતા. જો કે, બાજુમાં આવેલા અન્ય યુનિટને બચાવી લેવાયા હતા. બ્રાસની પેઢીના એકમના સંચાલકોના જણાવ્યા અનુસાર અંદાજે 8 થી 10 કરોડનું નુકસાન થયા હોવાનું અનુમાન છે.