Tuesday, April 22, 2025

જામનગર જિલ્લામાં હાડ થિજાવતી ઠંડી : આજે સવારે ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં 9.6 ડીગ્રી થઈ જતાં મોસમના સૌથી ઠંડો દિવસ

Advertisement
Advertisement
Advertisement

જામનગર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે, અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આજે સવારે ઠંડીનો પારો સડસડાટ નીચે ઉતરીને 9.6 ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીએ ભુકકા કાઢ્યા છે, અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે.

ગઈકાલે સાંજથી મોસમની ઠંડીનો મિજાજ જોવા મળ્યો હતો, અને શહેરીજનોએ વહેલાસર ઘરની વાટ પકડી લીધી હોવાથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા, અને કુદરતી સંચાર બંધી લદાઈ ગઈ હોય, તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

શહેરના જાહેર સ્થળો પર પણ ગઈકાલે રાત્રે લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, જયારે કેટલાક લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા, અથવા તો તાપણાંનો આશરો લીધો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ઠંડા પવનને લીધે ધ્રુજારી અનુભવાઇ હતી.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી ની ઝડપે રહી હતી. હવામાન ખાતા દ્વારા હજુ પણ ઠંડીનું જોર યથાવત રહે, તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW