મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોની માલ-મિલ્કતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાની, બગાડ અટકાવવા કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.
આ જાહેરનામા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઇ પણ મિલ્કત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. કોઇ પણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલ્કતને નુકસાન કરવુ નહીં કે કરવા દેવુ નહીં.
જાહેર કે ખાનગી મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરી કરશે નહીં તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.