ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને પૂજનીય સંતગણ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” અપાયું
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧” પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” આપી સન્માન કરાયું હતું. સંતોએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ સબળ, નીડર અને સલામતીના વિજય સાથે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય વિધયક-૨૦૨૧ પસાર કરાવીને સંતુલિત સમાજ વ્યવસ્થાનો રાજમાર્ગ કંડાર્યો છે. મુખ્યમંત્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવીને ગુજરાતમાં સુશાસનને કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આ વિધેયક સામાજિક સમરસતાનો વિધેયક બન્યો છે અને ભવિષ્યમાં ગુજરાત સંતુલિત સમાજ વ્યવસ્થા ધરાવતું આદર્શ રાજ્ય બનશે. આ વિધેયકથી હિન્દુ સમાજની બહેન-દીકરીઓને વધુ સલામતી અને સુરક્ષા મળશે. આ વિધેયક બદલ ગુજરાતની સમગ્ર હિન્દુ જનતા આપની અને રાજ્ય સરકારની આભારી રહેશે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલિપદાસજી મહારાજ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડો. શા. સ્વા. સંતવલ્લભસ્વામીજી, મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શાસ્ત્રી નૌતમસ્વામીજી, ઋષિભારતી મહારાજ ગુરુ ભારતી બાપુ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, જગતગુરુ પીરાણાપીઠ આચાર્ય જ્ઞાનેશ્વરદાસજીએ મુખ્યમંત્રીને આશીર્વાદ આપી શુભેચ્છાઓ આપી હતી.