ખેડા જિલ્લામાં ખેડા, ચકલાસી, મહુધા, ડાકોર અને મહેમદાવાદ નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓના વોર્ડનું નવું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. નવા સીમાંકન મુજબ મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં ૭ વોર્ડ જ્યારે મહુધામાં ૬ વોર્ડ રહેશે. તંત્ર દ્વારા મતદારોની સંખ્યાના આધારે વોર્ડની સંખ્યામાં નવા સીમાંકન મુજબની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થયા બાદ તત્કાલ ચૂંટણી ન યોજાતા સરકાર દ્વારા પાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હતી. તેવામાં ડિસેમ્બર માસના અંત કે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં પાલિકાની ચૂંટણીઓ અંગે જાહેરનામું બહાર પડવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પાલિકાઓનું સીમાંકન કરી, વોર્ડ વાઈઝ અનામત સહિતની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મહુધા નગરપાલિકામાં ૬ વોર્ડની રચના કરાશે, જ્યારે મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં ૭ વોર્ડની રચના કરવામાં આવશે. તમામ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ૪ કાઉન્સિલર ચૂંટાઈ આવશે. જેમાં ૫૦ ટકા મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. પાંચ નગરપાલિકામાં કુલ ૩૪ વોર્ડ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં ૬૮ મહિલા કાઉન્સિલર સહિત કુલ ૧૩૬ બેઠકો પર કાઉન્સિલર ચૂંટાઈ આવશે.
ત્યારે ચૂંટણીને લઈ ઉમેદવારોએ તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લાની પાંચ પાલિકાઓમાં ૬૮ મહિલા ઉમેદવારના કારણે પક્ષના નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. હાલમાં જીતેલા કેટલાય કાઉન્સિલરોની મહિલા અનામતના કારણે ટીકીટો કપાઈ જવાની શક્યતા છે. ત્યારે સત્તા મેળવવા પત્ની કે પરિવારમાંથી મહિલાને ચૂંટણીમાં ઉતારવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, વોર્ડની ફેરબદલના કારણે ઉમેદવારોની પસંદગી સહિતની બાબતોએ રાજકીય પક્ષોએ નવેસરથી ગણતરીઓ આરંભી દીધી છે.