વિદેશ જવા ઈચ્છુકોને બનાવટી ડોક્યુમેન્ટ આધારે કે પછી નોકરીની લાલચે ગુજરાતમાંથી અમેરિકા મોકલી આપતા કબૂતરબાજોનો કેસ હાલ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ સંભાળી રહી છે. હાલ કબૂતરબાજી કાંડના મુખ્ય સૂત્રધાર બોબી પટેલનો સાગરીત મનાતો પંકજ પટેલને વારાણસીના ગોલા દીનાનાથ બજારમાં આવેલા કિશન કટારા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપી પંકજ પટેલ પર 25 હજારનું ઇનામ પણ હતું.
આરોપી પંકજ પટેલનો રોલ બોબીનો ભાગીદાર હતો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અને વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓ પાસેથી પૈસા લેવાનો હતો. એટલું જ નહીં, અગાઉ પંકજ પટેલ અમેરિકા જઈ આવ્યો હતો અને બીજી વખત શિકાગો એરપોર્ટથી પરત મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા આરોપી પંકજ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા 10 જેટલા મુદ્દે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
જે પૈકી પોલીસ તપાસ અધિકારીની કોર્ટ સમક્ષ એવી રજૂઆત હતી કે આરોપી પંકજ પટેલ લાંબા સમયથી બનાવટી પાસપોર્ટ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાથી તપાસની જરૂર છે. આ સિવાય ખોટા દસ્તાવેજના આધારે અમેરિકા જેવા દેશમાં મોકલવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાની પણ પોલીસને આશંકા છે. પકડાયેલા આરોપી છેલ્લા ઘણા વર્ષોથી બનાવટી પાસપોર્ટના આધારે ભારતમાંથી ગેરકાયદેસર રીતે માણસોને અમેરિકા મોકલી આપતો હોય તેવી પોલીસને આશંકા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તે દરમિયાન એક ડાયરી પણ મળી આવી જેમાં નાગરિકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હોય તેના હિસાબો હોવાની આશંકા અને તેની તપાસ માટે રિમાન્ડની જરૂર છે.
જોકે, બચાવ પક્ષના વકીલ નીતિ રાજ દેસાઈએ મુદ્દાઓનો વિરોધ કરતા દલીલ કરી હતી કે બોબી પટેલ સાથે પંકજ પટેલનો હાલમાં કોઈ સંપર્ક નથી. અગાઉ તેમની સાથે કામ કરતા હતા. તેમની ધરપકડ બાદ કોઈ નાણાકીય વ્યવહાર પણ નથી મળી આવ્યા. માત્ર એકાઉન્ટબિલિટી ચકાસવા આરોપીને હાજરી જરૂર ન હોય, રિમાન્ડ ના મંજૂર કરવા જોઈએ. કોર્ટે બંને પક્ષોની દલીલ રજૂઆતો સાંભળતા આરોપી પંકજ પટેલના 11 નવેમ્બર 2024 બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.