મોરબી: ઉત્તરપ્રદેશ લખમીપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રીના પુત્રે કારની ઠોકર મારીને બે ખેડૂતોને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વિરોધ વધુ ઉગ્ર બનતા આગ જનની ઘટનાઓ સાથે સંધર્ષમાં ૯ વ્યકિતઓના મૃત્યુ થયા છે. ખેડૂતો ઉપર અમાનવય અત્યાચાર મામલે ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સુચના મળતા મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ તકે પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મહામંત્રી અને મોરબીના પ્રભારી પ્રવિણભાઇ મૈયડ, મોરબી જિલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિર, મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલ, કિસાન સેલ પ્રમુખ ભાવેશભાઈ, માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, માલધારી સેલ મહામંત્રી રમેશભાઇ રબારી, પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અમુભાઇ હૂંબલ, જિલ્લા મહામંત્રી વિનુભાઈ ડાભી, સેવાદલ બાબુભાઇ વેરાણા, જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઇ કુભારવાડિયા, શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, ટંકારા તાલુકા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ, મોરબી તાલુકા ઓબીસી રાજુભાઇ ભરવાડ, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય લક્ષમનભાઇ નાટડા, સહિતના કોંગ્રેસના આગેવાનો હોદેદારોએ સુત્રોચ્ચાર સાથે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

મોરબી જિલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિરે મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી ખાતે ખેડૂતો સાથે અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ સરકાર કૃષિ કાયદાના આંદોલન કરી રહેલા ખેડૂતો ઉપર ગાડી ચડાવી જાણીજોઈને જાનથી મારી નાખે છે. જે કિસાનો મૃત્યુ પામ્યા તેનો વિડીયો પણ લોકોએ જોયેલો છે. તે દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ ખેડૂતો ના પરિવારને ન્યાય તથા યોગ્ય વળતર મળે દોષીઓને સજા આપવામાં આવે તેવી માંગ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ખેડૂતોના પરિવારજનોને સાંત્વના આપવા જતા હોય તે વેળાએ તેમની સાથે અશોભનીય વર્તન કરી ધરપકડ કરી હતી. આ હિટલરશાહી સરકાર વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ કરે છે. અને કિસાનોના આંદોલનને કુચડવા માટે આ સરકાર કાર્ય કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારના ગૃહમંત્રી રાજીનામું આપે અને મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરી ગૃહમંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
• અધિક કલેકટરના માતૃશ્રીના દુખદ નિધન અંગે કોંગ્રેસ મૌન પાળ્યું
મોરબી અધિક કલેકટર એન.કે.મુછારના માતૃશ્રીનું દુખદ અવસાન થયું હતું. જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનીમાં કોંગ્રેસ હોદ્દેદારોએ અધિક કલેકટરને રૂબરૂ મુલાકાત કરીને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
