મોરબીના એક ઇલેક્ટ્રોનિક ના વેપારી સાથે ચાર્જિંગ સ્ટેશન ની ડીલરશીપ આપવાના નામે આશરે 24.67 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોય ત્યારે આ બાબતે વેપારીએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ દિન પ્રતિ દિન જેમ જેમ ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે આવા ઠગબાજ પણ ચતુરાઈ થી અલગ અલગ ઠગાઈના રસ્તા શોધી લેતા હોય છે. ત્યારે મોરબીના લાતીપ્લોટમા કે.કે.ઇલેક્ટ્રોનિકસ નામની પેઢી ધરાવતા ડાયરેકટર દર્શનભાઈ કિરીટભાઈ શાહ રહે.હરિહરનગર, રવાપર રોડ મોરબી વાળાએ ટાટા કંપનીમાં નોકરી કરતો હોવાની ઓળખ આપનાર આરોપી રવીકુમાર, મોબાઈલ નંબર 8653495255નો ધારણ કર્તા તેમજ ટોલ ફ્રી નંબર 18008332233ના ધારણ કર્તા અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19 માર્ચના રોજ આરોપીઓએ ટાટા પાવર કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી ફરિયાદી દર્શનભાઈને ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશિપ આપવાના નામે જરૂરી ડોક્યુમેન્ટ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દર્શનભાઈ સાથે રૂપિયા 24,67,000 મેળવી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ હાલમાં ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.