(અહેવાલ: જયેશ બોખાણી)
ગુજરાતના લાડકવાયા દીકરા વિવાન વાઢેર સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA)ની ગંભીર બિમારી સામે જંગ હારી ગયો છે. અને ગઇકાલે અમદાવાદ ખાતે વિવાને આંખો મીચી દીધી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારીનો શિકાર થયો હતો. અને સમગ્ર ગુજરાતમાં વિવાન બચાવો મિશન અંતર્ગત ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. ત્યારે 16 કરોડ જેટલો જંગી રકમ ભેગા થાત તે પહેલા જ વિવાન વાઢેર અમદાવાદ ખાતે અચાનક અંતિમ શ્વાસ લઈને અલવિદા કહી દેતા પરિવારે આભ ફાટી પડ્યું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરીને હાલ વિવાનની અંતિમક્રિયા માટે આલિદર ગામે લઈ જવાઈ રહ્યો છે.
વિવાનના પિતા અશોકભાઈ વાઢેરેએ જણાવ્યું હતું કે, હવે કોઈપણ ફંડ ઉઘરાવવાની જરૂર નથી. જે પણ ફંડ ભેગું થયું છે. એને સેવાના કામ માટે વાપરવામાં આવશે. તેમણે વિવાનને બચાવવા મદદ કરનારા તમામ લોકો, સામાજિક સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.
નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વિવાનની સારવાર માટેનો ખર્ચ એકઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યાર સુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભેગી થઈ હતી.