Tuesday, April 22, 2025

RNSBની રોચક પણ ઔપચારિક મનાતી ચૂંટણીમાં 96.39 % મતદાન

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવલ્લે જ થતી ચૂંટણી અંતર્ગત આ વખતે ફરી ભાજપના જ એક અસંતુષ્ટ જૂથની પેનલની ઉમેદવારીને પગલે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કુલ ૩૩૨માંથી ૩૨૦ મતદારોએ મતાિધકારનો ઉપયોગ કર્યો છે. અલબત્ત, આ વખતે ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દો છતાં ચૂંટણી ઔપચારિક બની રહેવા સંભવ છે.

આ બેન્કના ડિરેક્ટરો જ્યોતિન્દ્ર મહેતા, ટપુ લિંબાસિયા, ડાયાભાઈ ડેલાવાલા, નલિનભાઈ વસા, હંસરાજ ગજેરા વગેરે ૨૫ વર્ષ કે વધુ સમય સુધી રહી ચુક્યા હોવાથી તેમને ટિકિટ ન આપવી એવો નિર્ણય થયો હતો. કલ્પક મણિયાર પણ એ કેટેગરીમાં સામેલ હતા. જો કે, વર્તમાન બોર્ડનાં શાસન દરમિયાન મુંબઈમાં જમીનના ભાવ કરતાં પણ વધુ કિંમત ગણીને તેના પર લોન અપાયા સહિતનાં કૌભાંડના આક્ષેપ- ફરિયાદ સાથે કલ્પક મણિયારે વર્તમાન જૂથની સહકાર પેનલ સામે સંસ્કાર પેનલ નામે હરીફ પેનલ ઉતારી છે. આની સામે વર્તમાન બોર્ડના સૂત્રધારોનું કહેવું છે કે ફરિયાદ તથ્યવિહોણી હતી.

જિલ્લા રજિસ્ટ્રાર અને આ ચૂંટણીના એઆરઓ બી.એન પટેલે જણાવ્યું કે ‘૨૧ પૈકી ૧૫ બેઠક માટે આજે મતદાન થયું હતું, જેમાં રાજકોટ મતક્ષેત્રમાં જનરલ કેટેગરીની ૧૩ બેઠક માટે ૨૩ ઉમેદવાર હતા. વૂમન કેટેગરીની બે બેઠકો માટે કોઈપણ બેઠક પરથી કોઈપણ મહિલા ઉમેદવારને ઉમેદવારીની છૂટ વચ્ચે માત્ર રાજકોટથી જ ૩ મહિલા ઉમેદવારો મેદાનમાં હતાં. આથી, રાજકોટના ૧૯૬ મતદારોએ જનરલ કેટેગરી માટે ઉપરાંત વૂમન કેટેગરીની બેઠક માટે પણ મતદાન કરવાનું હોવાથી બે- બે બેલેટ રખાયા હતા, જ્યારે જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત, મુંબઈ અને મોરબીમાં માત્ર મહિલા ઉમેદવારો માટે જ ૧૩૬ મતદારોએ મતદાન કરવાનું હતું.’

તમામ સાત કેન્દ્ર પર સવારે ૧૦ સુધીમાં જ ૫૩ ટકાથી વધુ, બપોરે ૧૨ સુધીમાં જ ૮૫.૮૪ ટકા, બપોરે ૨ થતાં ૯૫.૭૮ ટકા અને ૪ વાગ્યા સુધીમાં ૯૬.૩૯ ટકા મતદાન થઈ ગયું હતું. ૪૪ મહિલા મતદારોમાંથી ૪૩ના (૯૭.૭૩ ટકા) મત પડયા છે, જ્યારે વૂમન કેટેગરીની બેઠક માટે ૯૬.૩૯ અને જનરલ કેટેગરીની ૧૩ બેઠક માટે ૯૬.૪૩ ટકા મતદાન થયું છે. રાજકોટમાં આજે સવારથી જ બેંકની મુખ્ય ઓફિસે મતદારોની કતાર લાગી હતી અને ભાજપ આગેવાનો પણ ઉતરી પડયા હતા. કલ્પક મણિયાર સૃથળ પર હાજર હતા ત્યાં સુધી શાબ્દિક ઘર્ષણ થવાની ભીતિ હોય તેમ જ્યોતિન્દ્ર મહેતા મત આપવા આવ્યા નહોતા અને મોડેથી મતદાન કર્યું હતું. રાજકોટમાં પાંચ મતદારો બહારગામ અને બે બીમાર હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન ડિરેક્ટરોની મુદ્દત પૂરી થતી હોવાથી ૨૧ નવા ડિરેક્ટરો ચૂંટવાના થતા હતા, જે પૈકી ૬ બેઠક પર સામેનાં જૂથે ઉમેદવારો જ ઊભાં ન રાખતાં તે બેઠકો વર્તમાન જૂથ માટે બિનહરીફ થઈ હતી. ઉપરાંત, પડકાર ફેંકનાર જૂથના ચાર ઉમેદવારોનાં ફોર્મ રદ્દ થયા છે. આમ, વર્તમાન સંચાલકોનાં હવે માત્ર પાંચ જ ડિરેક્ટરો ચૂંટાય તો સત્તા ફરી મળી જાય તેમ છે કેમ કે બહુમતિ માટે ૧૧ ડિરેક્ટરો જ જરી છે. સામી બાજુ, પડકાર ફેંકનાર જૂથ ૧૧ બેઠક પર વિજય પામી શકે તો જ સત્તા હસ્તગત કરી શકે તેમ છે પરંતુ તે કપરું મનાય છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW