Wednesday, April 23, 2025

મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિની ડિગ્રી મેળવવા હાઈકોર્ટના શરણે

Advertisement
Advertisement
Advertisement

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ બાદ જ ડિગ્રી આપવાના જક્કી વલણના કારણે આગળ અભ્યાસ કરવા માગતા અને ખાસ કરીને ઉચ્ચાભ્યાસ માટે પરદેશ જવા માગતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

જોકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ પોતાની પસંદગીના મુખ્ય મહેમાન જ્યાં સુધી સમારોહમાં આવવા માટે તારીખ ના આપે ત્યાં સુધી પદવીદાન સમારોહની તારીખ જાહેર નહીં કરવાની જીદ પકડીને બેઠા છે.સમારોહ ના યોજાય ત્યાં સુધી યુનિવર્સિટી ડિગ્રી પણ આપવાનો ઈનકાર કરી રહી છે.જેના કારણે વડોદરા મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિની ડિગ્રી મેળવવા માટે આખરે હાઈકોર્ટના શરણે ગઈ છે.યુનિવર્સિટીમાં કદાચ પહેલી વખત એવું બન્યું છે કે, ડિગ્રી માટે કોઈને હાઈકોર્ટની મદદ માગવી પડી હોય.

વિદ્યાર્થિનીના વાલીએ કહ્યું હતું કે, મારી દીકરીને અમેરિકામાં મેડિકલના ઉચ્ચાભ્યાસ માટે પ્રવેશ મળ્યો છે.જો તે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેનું એડમિશન કેન્સલ થઈ જશે.રજિસ્ટ્રેશન માટે ફાઈનલ ડિગ્રી બહુ જરુરી છે.રજિસ્ટ્રેશન કેન્સલ થવાની સાથે તેનો વિઝા પણ રદ થવાનો ડર છે.તેમણે કહ્યું હતું કે, હું ઓગસ્ટ મહિનાથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ડિગ્રી માટે પૂછપરછ કરી રહ્યો હતો.અત્યાર સુધીમાં મેં વારંવાર ધક્કા ખાધા છે.યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ પદવીદાન સમારોહ ના યોજાય ત્યાં સુધી ડિગ્રી આપવા માટે તૈયાર નથી.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને હું એક જ વખત મળી શક્યો હતો અને એ પછી તેમને પણ રજૂઆત કરી શક્યો નથી.મારી દીકરીને તેનું એક વર્ષ બચાવવા માટે આખરે હાઈકોર્ટ પાસે જવું પડયું છે.અમારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો

એબીવીપીના વિદ્યાર્થીઓ હેડ ઓફિસમાં ઘૂસી ગયા

પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવાની માગ સાથે કલાકો સુધી ધરણા

વીસી સામે આક્રોશ, આખરે ૩૧ ડિસેમ્બરે સમારોહ યોજવાની સત્તાધીશોએ લોલીપોપ આપી

પદવીદાન સમારોહમાં રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિને બોલાવીને પોતાનુ કદ વધારવા માટે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ હજારો વિદ્યાર્થીઓને ડિગ્રી માટે રાહ જોવડાવી રહ્યા છે.જેની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આજે એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી હેડ ઓફિસમાં કલાકો સુધી ધરણા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફરી એક વખત પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવાની માગ કરી હતી. ભાજપની જ વિદ્યાર્થી પાંખના કાર્યકરો હોવાથી વાઈસ ચાન્સેલર તેમને હેડ ઓફિસની લોબીમાંથી બહાર કઢાવવા માટે પોલીસ પર પણ દબાણ કરી શકે તેમ નહોતા.જેના કારણે કલાકો સુધી ભારે હંગામો થયો હતો અને યુનિવર્સિટીના ઈન્ચાર્જ પીઆરઓએ તા.૨૪ થી ૩૧ ડિસેમ્બરમાં સમારોહ યોજાશે તેવી લોલીપોપ એબીવીપીના કાર્યકરોને આપી હતી.એબીવીપીએ કહ્યું હતું કે, સત્તાધીશોએ તા.૩૧ ડિસેમ્બેર સમારોહ યોજવાની અમને ખાતરી આપી છે.

અન્ય યુનિ.માં કોન્વોકેશન પહેલા પણ ડિગ્રી અપાય છે

કેટલીક યુનિવર્સિટીઓ એવી પણ છે કે, જે પદવીદાન સમારોહ યોજવાની રાહ જોવાની જગ્યાએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી દેતી હોય છે.જેથી વિદ્યાર્થીઓનો આગળનો અભ્યાસ ના બગડે અથવા તેમની નોકરીની તકો ના છીનવાય.જોકે એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવામાં જ નથી આવતી ત્યારે વિદ્યાર્થીઓને મદદરુપ થવાનુ તો સત્તાધીશો વિચારે તેવો સવાલ જ ઉભો નથી થતો.ઉલટાનું કોન્વોકેશન ના થાય ત્યાં સુધી ડિગ્રી નહીં જ મળે તેવો હઠાગ્રહ રાખીને વાઈસ ચાન્સેલર જાણી જોઈને વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

૩૧ ડિસેમ્બરે કોન્વોકેશનમાં રાષ્ટ્રપતિને બોલાવવાના પ્રયાસો

સૂત્રોનું કહેવું છે કે, હવે યુનિવર્સિટી સત્તાધીશો પર કોન્વોકેશન યોજવા દબાણ વધી રહ્યું છે.વિદ્યાર્થીઓના રોષને જોતા સત્તાધીશોએ તા.૩૧ ડિસેમ્બરે પદવીદાન સમારોહ યોજવા ધમપછાડા શરુ કર્યા છે.પહેલા તા.૨૨ ડિસેમ્બરે કોન્વોકેશન યોજવાની હિલચાલ હતી અને આ માટે રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જોકે તેમની તારીખ નહીં મળતા હવે તા.૩૧ ડિસેમ્બરે સમારોહ યોજવા અને તેમાં રાષ્ટ્રપતિને બોલાવવા માટે દોડધામ થઈ રહી છે.સત્તાધીશો જોકે ચીફ ગેસ્ટના નામને લઈને મગનું નામ મરી નથી પાડી રહ્યા.ૉ

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW