ગામડાઓમાં તલાટી કમ મંત્રી સહિતના ગેરહાજર/મોડા આવેલા કર્મચારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરવા કલેક્ટરની સુચના
આ મુલાકાત સંદર્ભે અત્યાર સુધી ગામડાઓના ૧૭૭ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું, ૧૪૩ પ્રશ્નો પર કાર્યવાહી શરૂ
મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના ૩૨ ગામોની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાને ટંકારા તાલુકાના ૫, વાંકાનેર તાલુકાના ૭, મોરબી તાલુકાના ૮, હળવદ તાલુકાના ૭ અને માળીયા(મી.) ૫ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાતનઓ મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિવારણ લાવવાનો છે. ત્યારે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે સંબંધિત ખાતાને કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૩૨૦ પ્રશ્નો મળ્યા હતા, જેમાંથી ૧૭૭ પ્રશ્નો સંદર્ભે કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બાકીના ૧૪૩ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. આ સાથે તમામ અધિકારી/કર્મચારીઓને પ્રજાના કામ નિયત સમયે પુર્ણ કરવા સમયસર હાજર રહી પ્રજાલક્ષી કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના સમાવિષ્ટ તાલુકાના ૩૨ ગામોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૩૨-અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ગામે આંગણવાડી, પ્રાથમિક/માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી./સી.એચ.સી./સબ સેન્ટરની, મઘ્યાહન ભોજન કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત કરતા કુલ ૧૦(દસ)-કર્મચારી ગેરહાજર સમય કરતા મોડા આવ્યા હોય તેવું માલુમ પડ્યું હતું.
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં તપાસણી અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ૩૨ ગામો પૈકી વાંકાનેર તાલુકામાં ૧(એક)- તલાટી કમ મંત્રી ગેરહાજર માલુમ પડ્યા હતા. હળવદ, ટંકારા, વાંકાનેર તાલુકાના ૪-ગામોમાં ૪-PHC સબ સેન્ટરના ૧૦-સભ્યો સમયસર ફરજ પર આવ્યા નહોતા. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધીત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની કચેરીના અધિકારી/કર્મચારી તા.૨૨-૨૫/ ૧૧/૨૦૨૪ ના રોજની અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલ) તે સ્ટાફ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી છે.