અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાં, ગટર સહિતના નાના-મોટા કામ સતત ચાલ્યા કરતા હોય છે, ત્યારે છેલ્લા 15 મહિનાથી વિશાલાથી નારોલ વચ્ચે આવેલો શાસ્ત્રી બ્રિજ સમારકામને કારણે બંધ કરાયો હતો. એક મહિના પહેલાં આ બ્રિજની એક બાજુની સાઇડ ખોલવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રાહત થઈ હતી. તંત્ર દ્વારા ફરીથી શાસ્ત્રી બ્રિજની અન્ય સાઇડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે 31 ડિસેમ્બર સુધી એક તરફનો શાસ્ત્રી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડશે.
આ બ્રિજ પરથી રોજ પરિવહન કરતાં લોકોનું કહેવું છે કે, ‘શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા રહે છે. જેથી વહેલીતકે બ્રિજનું સમારકામ પૂર્ણ કરવામાં આવે’.