લુપ્તપ્રાય થતી ગીર ગાય નસલને મનસુખ સુવાગિયાએ બચાવી
એક સમયે દેશમાં માત્ર 5000 ગીર ગાયો બચી હતી, મનસુખભાઇના યુગકાર્ય પછી આજે તેની સંખ્યા 3 લાખ કરતાં વધુ છે
-કિન્નર આચાર્ય
આજકાલ તમે જ્યાં જુઓ ત્યાં ગીર ગાયનાં ગુણગાન ગવાતા દેખાશે. ગીર ગાયનું દૂધ 70 રૂપિયાથી સવાસો રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાઈ રહ્યું છે. અને તેનું ઘી 1200થી 4000 રૂપિયા સુધીના ભાવે લોકો હસતા-હસતા ખરીદી રહ્યા છે. પણ, શું તમને ખ્યાલ છે કે, એક સમયે આ દેશી નસલનું દૂધ દસ રૂપિયામાં લેવા પણ કોઈ તૈયાર ન હતું અને તેનાં ઘીનો ભાવ ભેંસના ઘી કરતા અડધો પણ મળતો નહોતો. આખા દેશમાં કુલ 5000 ગીર ગાય બચી હતી. પરંતુ માત્ર એક જ વ્યક્તિએ ગીર ગૌવંશ બચાવવાનું અભિયાન ઉપાડ્યું અને આજે ગીર ગાયની સંખ્યા ત્રણ લાખ કરતાં વધુ છે. તેનાં દૂધ-ઘી પ્રીમિયમ ગણાય છે. આ એક વ્યક્તિ એટલે રાજકોટનાં મનસુખ સુવાગિયા.
ગીર ગાય ક્રાંતિ મનસુખ સુવાગિયાએ કેવી રીતે કરી?
* જળક્રાંતિની કામગીરી દરમિયાન તેમને સૌરાષ્ટ્રના ગામેગામ ફરવાનું થયું અને ગીર ગાય લુપ્ત થતાં જોઈ
*તેમણે ગીર અને ભારતીય ગાયના વિનાશના સાચા કારણો શોધ્યા. માત્ર પુણ્ય કમાવા માટે ચાલતી ગૌસેવા અને પાંજરાપોળોથી જુદા માર્ગે ઇસ 2000માં સાત સિદ્ધાંતની નવી યોજના બનાવી.
૧. ગીર ગાય આપણા આંગણે.
૨. દૂધાળ વંશના જાતવાન નંદીથી ગોસંવર્ધન
3. માતાના ગર્ભથી જીવન પર્યંત દેશી ગાયના દૂધ ઘી છાશનો આહાર.
4. ગાયના છાણ – ગૌ મૂત્રથી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ.
5. જળ સમસ્યા મુક્ત ગામ.
6. જાતવાન નંદી સિવાયના તમામ વાછરડાઓનું ખસીકરણ.
7. દેશી ગોવંશના વિનાશક જર્સી /એચ એફ જાનવરોનો બહિષ્કાર.
*આ નવી યોજના બનાવીને જૂનાગઢના જામકા ગામમાં ઘેર ઘેર ગાયો બંધાવીને જામકાને ગીર ગાયનો દેશનું પ્રથમ મોડેલ ગામ બનાવ્યું.
*લોકોને ગીર ગાયની ઓળખ અને ઉપયોગીતા સમજાવવા પ્રારંભે 10 ગીર ગાય અભ્યાસ યાત્રાઓ-સંમેલનો યોજીને હજારો ગામોના લોકોને જાતવાન ગાય નંદીનું પ્રશિક્ષણ આપ્યું.
*સૌરાષ્ટ્રના હજારો ગામોમાં જઈને લોકોને ગીર ગાયના ગુણ અને વિનાશના કારણો અને નિર્માણની નવી યોજના તથા ગાયના દિવ્ય ગુણો સમજાવીને સાત સિદ્ધાંતની યોજનાનો સંકલ્પ લેવડાવ્યો.
આઝાદી પહેલા સૌરાષ્ટ્રમાં લાખો ગીર ગાયો હતી. તેની સંખ્યા માત્ર 5000 બચી, તેની જાગૃતિ દેશમાં ફેલાવી અને તારીખ 6/ 11/ 2005ના રોજ 2000 લોકો સાથે ગિરનાર પરિક્રમા કરીને દસ લાખ ગીર ગાય નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ કર્યો.
* મનસુખભાઈ માત્ર 11 ધોરણ ભણેલા છે પણ કુદરતની કૃપાથી અને કર્મતપથી પ્રથમ ગીર ગાય આપણા આંગણે પુસ્તક લખ્યું. પછી ગીર ગાય ગ્રંથ, ગાયના દૂધથી ના ગુણ દર્શન કરાવતુ ગોસત્વ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને સફળ બનાવવા ગુજરાતીમાં સૌપ્રથમ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ લખ્યો અને અંતે ગોવેદ મહા ગ્રંથ લખ્યો. આ પુસ્તકોની છેલ્લા 20 વર્ષમાં 9 લાખ નકલ નું સમગ્ર દેશમાં વિતરણ થયું છે.
* લોકોને પ્રેરણા આપવા સૌરાષ્ટ્રના 2000 થી વધુ ગામોમાં 3,000 જેટલી ગ્રામસભા કરીને આંગણે ગોપાલન-સંવર્ધનનો સંકલ્પ લેવડાવ્યો.
મનસુખભાઈના સાચી દિશાના પ્રયાસો, ઈચ્છાશક્તિ, સંકલ્પશક્તિ અને પુસ્તકોના લીધે સમગ્ર દેશમાં ગીરગાય પાલનની ઐતિહાસિક જાગૃતિ આવી.
*જે ગીર ગાયને કોઈ બે પાંચ હજાર રૂપિયામાં ખરીદવા તૈયાર નહોતું. એ ગીર ગાયનું મૂલ્ય મનસુખભાઈ ના સાચા ગોતપથી 1થી 15 લાખ રૂપિયા થયું અને જાતવાન નંદીનું મૂલ્ય ત્રણથી 30 લાખ રૂપિયા થયું. સંપૂર્ણ ઉપેક્ષિત અને દસ રૂપિયામાં લિટર તેને કોઈ ખરીદનાર નહોતું એ દેશી ગાયનું દૂધ 70થી સવાસો રૂપિયા લીટર અને ₹100નું kg ગાયનું ઘી 2000 રૂપિયા નો કિલો વેચાતું થયું. ગાય અને તેના દૂધ ઘીની આ મૂલ્ય વૃદ્ધિ ભારત જ નહીં વિશ્વ ઇતિહાસની પ્રથમ ઘટના છે.
*આવા પરિણામો જોઈને ભાવનગરના પ્રદીપસિંહ રાઓલે અનેકવાર કહ્યું કે, જો મનસુખભાઈ સુવાગિયાએ આ અભિયાન ન ઉપાડ્યું હોત તો ભારતમાંથી ગીર કાંકરેજ અને દેશી ગાયો લુપ્ત થઈ જાત. મારી ગાયો હું 200 અને 1500 રૂપિયામાં અને વાછરડા મફત આપતો હતો તે ગીર ગાય આજે 11થી 15 લાખમાં અને એક વર્ષના વાછરડા 10 લાખ રૂપિયામાં વેચાય છે. જે મનસુખભાઈના ગોતપને આભારી છે.
*ગીર ગાયને ઉગાર્યા પછી મનસુખભાઈએ લુપ્ત થતી કચ્છ ઉત્તર ગુજરાતની કાંકરેજ ગાયને બચાવવાનો સંકલ્પ કર્યો. તારીખ 4/ 1/ 2016 થી 14/ 1 /2016 કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા કાઢીને 2000 ગામના લોકોને 11 લાખ જાતવાન કાંકરેજ ગાય નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લેવડાવ્યો અને કાંકરેજ ગાય ગ્રંથ લખ્યો તેના પ્રતાપે સંપૂર્ણ ઉપેક્ષિત કાંકરેજ ગાય પણ 11 લાખ રૂપિયા સુધી વેચાતી થઈ.
*ઈસવીસન 2004માં ભારતમાં સૌપ્રથમ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ કર્યો. પ્રકૃતિ સિદ્ધાંતોને અનુસરીને પ્રાકૃતિક કૃષિ ગ્રંથ લખ્યો અને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કર્યો.
*જેનાથી જે ગીરગાય ની સંખ્યા માત્ર 5000 હતી ત્યાં આજે 5000 નાની મોટી ગૌશાળાઓ શરૂ થઈ છે અને ગીર ગાયની સંખ્યા વધીને 3 લાખથી વધુ થઈ છે. તો હવે જ્યારે પણ ગીર ગાયનું દૂધ પીવો કે ઘી ખાઓ ત્યારે મનસુખ સુવાગિયાનું યોગદાન ભૂલતાં નહીં.
-કિન્નર આચાર્ય