મોરબી જિલ્લામાં વ્યાજખોરોએ માજા મૂકી છે. ત્યારે હાલ વ્યાજખોરો દ્વારા દૈનિક વ્યાજ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે મહિને 330 થી 390 ટકા જેટલું વ્યાજ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ તોતિંગ વ્યાજ ચક્ર માં ફસાયેલ મોરબીના એક વેપારીએ ઘર છોડી દેતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો અને પાંચ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. ત્યારે તમામ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અત્યારે સમગ્ર વ્યાજ ચક્રની વાત કરીએ તો, ગત અઠવાડિયે મોરબીના નાની કેનાલ રોડ ઉપર અવધ-4માં રહેતા ટાઈલ્સના ટ્રેડર ગૌરવભાઇ દલસુખભાઇ કાવર ઉ.25 નામનો યુવાન ઘર છોડી ચાલ્યો જતા તેના પિતા દલસુખભાઈ કાવરે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ લખાવી હતી જે બાદ આ યુવાન ઘેર પરત આવી ઘરના સભ્યોને પોતે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હોવાનું અને વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડ્યું હોવાનું જણાવતા ઘરના સભ્યો પણ ચોકી ઉઠ્યા હતા અને હિંમત આપતા ટાઈલ્સના વેપારી ગૌરવ કાવરે પાંચ વ્યાજખોરો વિરુદ્ધ તોતિંગ વ્યાજ વસુલાત મામલે ફરિયાદ નોંધાવી હતી.વ્યાજખોરીના આ ચોંકાવનાર કિસ્સામા ગૌરવભાઇ દલસુખભાઇ કાવરે ફડસર ગામના આરોપી સંજયભાઇ બોરીચા પાસેથી 10 લાખ દૈનિક 11,000 રૂપિયા વ્યાજ ચુકવવાની શરતે વ્યાજે લઈ 7,70,000 વ્યાજ ચૂકવ્યાનું, શનાળાના આરોપી મહેશભાઇ રબારી પાસેથી 6 લાખ રૂપિયા દરરોજના 6,600 લેખે વ્યાજ ચુકવવાની શરતે મેળવી 3,30,000 વ્યાજ પેટે ચૂકવ્યા હોવાનું, શનાળાના જ આરોપી નરેશભાઇ ઠાકોર પાસેથી લાખ રૂપિયા દૈનિક 4800 રૂપિયા લેખે વ્યાજ ચુકવવાની શરતે લઈ 2,40,000 વ્યાજ ચૂકવ્યાનું, મોરબીના ભરત બોરીચા પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લઈ દૈનિક 6500 વ્યાજ ચુકવવાની શરતે તેમજ રૂપિયા લાખ દૈનિક 10,400 વ્યાજ ચુકવવાની શરતે લઈ 1,95,000 ચૂકવ્યા હતા આ ઉપરાંત ટંકારા તાલુકાના મિતાણા ગામના આરોપી જયદીપભાઇ બોરીચા પાસેથી 3 લાખ રૂપિયા દૈનિક 3000 વ્યાજ ચુકવવાની શરતે વ્યાજે લઈ 80,000 વ્યાજ ચુકવ્યું હોવા છતાં તમામ આરોપીઓ વધુ રૂપીયા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જુદી-જુદી બેન્કના ચેક તેમજ લખાણ લઈ ત્રાસ ગુજારતા હોવાથી તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.