મોરબીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, લાભાર્થીઓને કરોડોની સહાય અર્પણ કરાઈ
મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને છઠ્ઠો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. આ ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાત સરકારના ૧૭ વિભાગના ૩૨૩ વિવિધ યોજના ૩૩૫૬૮ લાભાર્થીઓને રૂ.૪૪૪.૯૩ કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં મોરબીના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.આ તકે રાજયમંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી કોંગ્રેસને આડા હાથે લીધી હતી.

મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા, અશોકભાઇ ચાવડા, ભાવાનભાઇ ભાગીયા, દિનેશભાઇ ભોજાણી, સુરેશભાઇ સીરોહિયા, પ્રભુભાઈ કામરીયા, હંસાબેન પારેઘી, કે.કે. પરમાર, જેઠાભાઇ પારઘી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસને આડા હાથે લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના કામ કરતા તેના ગોટાળા અને કારાસ્તાન બોલતા હોવાનો આક્ષેપ કરી આવા કારાસ્તાનવાળાઓને મતદાનમાં જવાબ આપવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું.તેમણે સરકારની વિવિધ યોજનાના લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી.
જ્યારે ગરીબ કલ્યાણ મેળા અન્વયે પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા સરકારની જુદીજુદી યોજના હેઠળલાભાર્થીઓને કરોડોની સહાય આપવામાં આવેલ છે. જેમ કે ગરીબ કલ્યાણ મેળામાં જે ૩૩૫૬૮ લાભાર્થીઓને રૂ.૪૪૪.૯૩ કરોડની સહાય અપયાની જાહેરાત કરાઈ હતી. તેમાં મેળા પહેલા ૨૯૭૦૦ લાભાર્થીઓને રૂ.૪૨૫.૫૮કરોડની સહાય અને આજે મેળા દરમિયાન ૨૩૦૦ લોકોને રૂ. ૩.૪૬ કરોડની સહાય તેમજ મેળા બાદ ૧૪૬૩ લોકોને સહાય આપવામાં આવી હતી. આ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા સહિતના વિવિધ સરકારી વિભાગોના કુલ ૩૩૫૬૮લાભાર્થીઓને ૪૪૪.૯૩ કરોડની સહાય આપવામાં આવી હતી.