મોરબી : ભારતના પાંચ રાજ્યોમાં તાજેતરમાં જ ચૂંટણી સંપન્ન થયા બાદ આજે મતગણતરી થઈ હતી જેમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં ભાજપનો જ્વલંત વિજય થતા ઠેકઠેકાણે ભાજપ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી અને વાંકાનેર ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં ચૂંટણી પૂર્ણ થતા આજે મતગણતરી થઈ હતી જેમાં ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપનો ભવ્ય વિજય થતા મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ અવસરે ભાજપ કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડીને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વાંકાનેરમાં પણ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર શહેર ખાતે મહારાજા કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર પ્રમુખ, બક્ષીપંચ મોરચા પ્રમુખ, શહેર યુવા મોરચા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મોં મીઠા કરાવી ભાજપની જીતની ઉજવણી કરી હતી.
