
મોરબી: મૂળ મોરબીના મહેન્દ્રનગર ગામના વતની અને હાલ વલસાડ નિવાસી યોગ શિક્ષિકાના બ્રેઇનડેડ બાદ તેમના કિડની, લીવર અને ચક્ષુદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.જેમાં સુરતના અબજોપતિ ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા અને સમાજસેવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતમાં પ્રથમવાર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
મૂળ મોરબીના મહેન્દ્રનગરના વતની અને હાલ વલસાડમાં સેગવી ગામે આવેલ માણેકબાગમાં રહેતા 40 વર્ષીય રંજનબેન પ્રવીણભાઈ ચાવડા યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ગત તા.30 સપ્ટેમ્બરના રોજ તેઓ સ્કૂટર ઉપર પોતાના બહેનના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વલસાડના ધરમપુર રોડ ઉપર એસટી વર્કશોપ સામે અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી રંજનબેને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બ્રેઇન હેમરેજ થતા અંતે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ પરિવારજનોએ મોટો નિર્ણય લીધો હતો. અને રંજનબેનનું લીવર, કિડની, અને ચક્ષુઓનું દાન કરીને પાંચ વ્યકિતને નવજીવન બક્ષ્યું હતું.
જેમાં રંજનબેનના લીવરને સુરતના જાણીતા હિરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કતારગામની કિરણ હોસ્પિટલમાં આશરે 9 કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ ડોક્ટરોની ટીમની મહેનત સફળ થય હતી. અત્યાર સુધીમાં 2000થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર સર્જન ડો.રવિ મોહન્કાએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આપને જણાવી દઇએ ગોવિંદભાઇ ધોળકિયા છેલ્લા 3 વર્ષથી લીવરની બીમારીથી પીડાઇ રહ્યા હતા. ત્યારે તેમના સફળ ઓપરેશનથી આજે તેમને નવજીવન મળ્યું છે.
