નાણાકીય વર્ષ-૨૦૨૦-૨૧ ના નફાનો વિનિયોગ કરવા સારૂ કલમ-૬૬(૨)ની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી
મોરબી: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૬૬(૨) મુજબ સહકારી મંડળીઓ નફાની કોઈ ભાગનો વિનિયોગ વાર્ષિક સાધારણ સભાની મંજૂરી સિવાય અને અધિનિયમ, નિયમો અને ઉપ-નિયમોને અનુરૂપ હોય તે સિવાય કરી શકતી નથી. આ જોગવાઈને કારણે સહકારી મંડળીઓ સાધારણ સભાની મંજૂરી વિના તેના સભાસદોને ડિવિડન્ડ વહેચી શકતી નથી કે રાજ્ય સહકારી સંઘને શૈક્ષણિક ફંડ આપી શકતી નથી.
કોવિડ-૧૯ ની પરિસ્થિતિના કારણે લોકો જ્યારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હોય ત્યારે સહકારી મંડળીના સભાસદોને તેમના નાણાંકીય હક્કો સમયસર મળે તે જરૂરી છે. આથી તાજેતરમાં સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા ૩૦/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી આ કાયદાની કલમ-૧૬૧ હેઠળ મળેલ સતા અન્વયે તમામ સહકારી મંડળીઓને વ્યવસ્થાપક કમિટીની મંજૂરીથી આગામી વાર્ષિક સાધારણ સભામાં બહાલી મેળવવાની શરતે નાણાકીય વર્ષ-૨૦૨૦-૨૧ ના નફાનો વિનિયોગ કરવા સારૂ આ કાયદાની કલમ-૬૬(૨)ની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જેની તમામ સહકારી સંસ્થાઓએ નોંધ લેવા મોરબી રજીસ્ટ્રાર ડી.વી ગઢવીની યાદીમાં જણાવાયું છે.