મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ યુનીયન બેન્કનું એટીએમ તોડી તસ્કરો રૂપીયા ૧૫,૭૦ લાખની ચોરી કરી ગયા હોવની ફરીયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટનાં સાધુ વાસવાણી રોડ યોગેશ્વર પાર્કમાં રહેતા બૅંકના કર્મચારી સંજયભાઇ વિનોદભાઇ રાજપુરાએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે કે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નંબર-૪૭ માં આવેલ યુનીયન બેન્કના એટીએમમાં તારીખ-૧૬ ના રોજ બપોરના બે વાગ્યાથી તારીખ-૧૭ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે તસ્કરો ત્રાટકયા હતા અને એટીએમની નાણાની તીજોરી તોડી એટીએમમાં નુકશાન કરી તેમા રહેલ રૂ.૧૫,૭૦,૫૦૦ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો.