મોરબી તાલુકાના મકનસર રેલવે સ્ટેશન નજીક આવેલ ભક્તિનગર -2 માં રહેણાક મકાનમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનો જથ્થો છુપાવવા માટે આપનાર શખ્સને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. હરેશભાઇ આગલ તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે આજે મોરબી તાલુકાના મકનસર, ભક્તિનગર-02, રેલ્વે સ્ટેશનની બાજુમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. અને મકાનમાં કબુતરખાનામાં છુપાવેલ વિદેશીદારૂની બોટલ નં.95 (કિંમત રૂ. 31,950) નો મુદ્દામાલ પીલીસે કબ્જે કરી આરોપી અશોકભાઈ બાબુભાઇ ખાંભલા (રહે.મકનસર ભક્તિનગર-02, રેલ્વે સ્ટેશનની બાજુમાં તા.જી.મોરબી)ને ઝડપી લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો છુપાવવા માટે આપનાર જયદિપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (રહે.મકનસર)નું નામ ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. નરવિરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, પો.કોન્સ ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા જયેશભાઇ ચાવડા સહિતનાએ કરેલ છે.