કોરોના મહામારીએ રોજગારી છીનવી લેતા કલા સાધકોની હાલત કફોડી : કલાકારો માટે સરકાર લાંબા ગાળાની યોજના બનાવે તે અત્યંત જરૂરી
મોરબી : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવાનું કામ કરતા દેશના કલાસાધકોની હાલત અત્યંત દયનિય બની છે. કોવિડ ગાઈડલાઈનની અમલવારીને કારણે જાહેર કાર્યક્રમ. સમારોહ,લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો બંધ થતા ખાસ કરીને નાના -મોટા શહેરોમાં કલાકારોની હાલત કફોડી બની છે, જો કે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની સ્થિતિ પામી જઈ રાશનકીટનું વિતરણ કરી મદદરૂપ થવા પહેલ કરવાની સાથે કલાકાર મિત્રો માટે આરોગ્યસેવામાં આર્થિક મદદનો પણ કોલ આપવામાં આવ્યો છે.
લગ્નપ્રસંગ, નાના મોટા ફંક્શન,લોકડાયરો જેવા આયોજન થકી રોજગારી મેળવતા કલાકારો ઉપર કોરોના મહામારી આફતરૂપ બની છે છેલ્લા બે વર્ષથી કલાસાધકો માટે કમાણી કરવાના રસ્તા બંધ થઇ જતા સંસ્કૃતિનો વારસો જાળવી રાખનાર કલાકારોને ઘર ચલાવવું ખુબજ મુશ્કેલ બન્યું છે. લાંબા સમયથી બેકારીની સ્થિતિ ભોગવી રહેલા આ કલાકારો અન્ય કોઈ ધંધો રોજગાર પણ કરી શકતા નથી ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની પ્રવર્તમાન સ્થિતિને નજરમાં રાખી મોરબી જિલ્લામાં વસવાટ કરતા કલાકારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા કલા સાધકો ઉપર આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં રાશનકીટ વિતરણ કરવાની સાથે કલાકાર મિત્રોને આગામી દિવસોમાં હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય સેવા માટે પણ મદદરૂપ થવાનો કોલ આપી યંગ ઈંડિયા ગ્રુપની સાંસ્કૃતિક વિંગ દ્વારા કલાકાર મિત્રો માટે તમામ મદદ માટે કમર કસી આગામી બે મહિના સુધી અન્નપૂર્ણા યોજના થકી રાશનકીટ વિતરણ કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે સંસ્કૃતિની ધરોહર જાળવણીનું કાર્ય કરતા કલાકાર મિત્રો માટે કેન્દ્ર – રાજ્ય સરકાર આર્થિક મદદ કરે અને ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ થયે લાંબાગાળાની યોજના ઘડી કાઢે તે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હોવાનું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અંતમાં જણાવ્યું છે.
