મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જેતપરથી અણિયારી સુધીના માર્ગમાં તાજેતરમાં વાવાઝોડાને લીધે આવેલ વરસાદને કારણે રસ્તો બિસ્માર થઈ જતાં આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકોને પડતી હાલાકી નિવારવા અણિયારીના સરપંચ દીપકભાઈ દઢાણીયા, જિલ્લા પંચાયતના કોપ્ટ સભ્ય કેતનભાઇ વિડજા (જૂના ઘાંટીલા), જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઈ લોરીયા, ખાખરેચીના આર. કે. પારજિયા, કુંભારિયાના સરપંચ કાંતિલાલ દેત્રોજા, તાલુકા પંચાયત સભ્ય પ્રવિણભાઈ અવાડિયા, વેજલપરના અગ્રણી સુખુભા તેમજ અનિલભાઈ કૈલા વિગેરેની રજૂઆતો હતી કે, આ જેતપર-અણિયારી રોડ ઉપર ધાંટીલા, વેજલપર ખાખરેચી, કુંભારિયા, વેણાસર, રોહિશાળા વિગેરે ગામોનો ખૂબ ટ્રાફિક રહે છે. આ પંથકના ગામોના વાહનચાલકોને આ બિસ્માર રસ્તાને કારણે ખૂબ હાલાકી પડે છે.
તે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરતાં ધારાસભ્યએ આ રજૂઆતો લક્ષમાં લઈને માર્ગ-મકાન વિભાગના સબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી જે અન્વયે નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ આદ્રોજાએ તાર્કીદે વ્યવસ્થા ગોઠવીને આ રસ્તાનું મરામત કામ હાથ ધરાવ્યું છે. જે તાત્કાલિક પૂરું કરીને લોકોને ટ્રાફિકેબલ રસ્તો ઝડપથી પૂરો પાડી શકાશે. પીપળી રોડ ઉપરની મરામતની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.