Tuesday, April 22, 2025

વાવાઝોડાગ્રસ્ત ધારી – ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા કાર્ય શરૂ કરતું મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ જનરેટર સેટ અને રાશનકીટ સહિતની સામગ્રી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં સેવાકાર્યમાં જોડાઈ

મોરબી : વાવાઝોડા તૌકતે ઉના, ગીર સોમનાથ, ભાવનગર, મહુવા અને રાજુલા સહિતના વિસ્તારમાં તબાહી મચાવી દીધાના એક અઠવાડિયા બાદ પણ હજુ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ખાસ કરીને ઉના અને ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વાવાઝોડા અસરગ્રસ્ત આ વિસ્તારમાં મોરબીની સેવાભાવી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ રાશનકીટ અને જનરેટર સેટ સાથે મદદે પહોંચી ધારીના ગ્રામ્ય વિસ્તારો અને ગીર જંગલમાં આવેલ નેસડામાં સેવા કાર્યોમાં કામે લાગી છે.

વવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હાલમાં રાજ્યભરમાંથી મદદ મળી રહી છે પરંતુ ખાસ કરીને ધારી અને ઉના તાલુકાના દુર્ગમ અને અંદરગાળાના ગામડાઓમાં તેમજ ગીર જંગલના નેસડાઓમાં હજુ પણ સેવાભાવી સંસ્થાઓ પહોંચી શકી ન હોય લોકો અત્યંત મુશ્કેલીભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે શનિવારે મોરબીની સેવાભાવી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમ ધારીના અને જંગલના ગ્રામ્ય વિસ્તારમાં 125 હોર્સ પાવરના હેવી જનરેટર સેટ અને 700 રાશનકીટ સાથે પોહચી વધુ અસરગ્રસ્ત ગામોમાં રાશનકીટ વિતરણ કરી જનરેટર સેટ વડે ગ્રામ્યલોકોને પીવા અને વાપરવાના પાણીની વ્યવસ્થા કારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં ધારીની સિવિલ હોસ્પિટલ, પોલીસ લાઈન, તેમજ વિવિધ ગ્રામ પંચાયત સહિતના વોટર સપ્લાય પોઇન્ટે ટેક્નિકલ ટિમો સાથે જનરેટર સેટ લઈને વીજ પુરવઠો પૂરો પાડી પાણી સપ્લાય શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ધારીના છેવાડાના પછાત ગામોમાં સોઢાપરા, આબાગાળા જેવા અનેક દુર્ગમ ગામોમાં અને નેસડાઓમાં રાશન કીટ વિતરણની સાથે મેડિકલ ટીમ સાથે જરૂરી લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમને દવાઓ પણ આપવામાં આવી હતી. અને ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વધુ જનરેટર સેટ અને રાશન કિટની જરૂરિયાતને ધ્યાને લઇ વધુ જનરેટર સેટ અને જરૂરી સામગ્રી માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરેલા સેવા અભિયાનમાં સ્થાનિક તંત્ર, મામલતદાર તેમજ સ્થાનિક આગેવાનો વિપુલભાઈ રબારી, અરુણભાઈ વેગડા, શરદભાઈ કંસારા, રવિભાઈ, સુરેશભાઈ સહિતના લોકો મદદ માટે જોડાયા છે.

જ્યારે વાવાઝોડાને કારણે ધારી તથા ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ વીજ થાંભલાઓ પડી જતા અને વીજ પુરવઠા સિસ્ટમને સંપૂર્ણ નાશ પામવાના કારણે અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ એકાદ અઠવાડિયા સુધી વિજ પુરવઠો પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી લોકોને પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તેમજ નેસડા અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાની સાથે વરસાદ પડવાના કારણે પશુઓના ઘાસચારો નાશ થવાથી હાલમાં પશુઓના ઘાસ ચારાની પણ કારમી તંગી સર્જાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાળિયા વાળા મકાનોને પણ મોટાપાયે નુકશાન પોહચ્યું છે.

ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદમાં હાલ અનેક સંસ્થાઓ લોકોની મદદે આવી છે. પરતું હજુ ઘારી અને ગીર જંગલના અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સહિતની અનેક સમસ્યાઓ લાંબો સમય રહે તેવી સ્થિતિ છે. હાલ અમે અહીં શક્ય મદદ માટે વ્યવસ્થા કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. હજુ અહીં જનરેટર સેટ, મકાનોના રીપેરીંગ માટે નળિયા, પતરા, લાકડા અને કારીગરોની પણ જરૂરિયાત છે. પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. પરંતુ બધું થાળે પડતા લાંબો સમય લાગે તેમ છે. જ્યારે અહીંના વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની તંગી છે. ત્યારે અન્ય સંસ્થાઓને આ વિસ્તારમાં પશુઓના ઘાસચારા અને મકાનોના રીપેરીંગ સહિતની મદદ માટે આગળ આવવાની દેવેન રબારીએ અપીલ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW