(ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: દેશની જાણીતી સંસ્થા વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ દ્વારા હાલ આપણા ગુજરાત રાજ્યમાંથી 15 શાળાઓ Space Club માટે પસંદ કરવામાં આવી છે. જેમાંથી મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાની એકમાત્ર પ્રાથમિક શાળા મીતાણા તાલુકા શાળાની Space Club માટે પસંદગી કરવામાં આવી છે.
જેમાં બાળકોને નાનપણથી જ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તથા મોડેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ તે માટેનું જરૂરી સાહિત્ય પણ આપવામાં આવશે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કઈ રીતે પોતાની કારકિર્દી બનાવી શકે છે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તથા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી પટેલ કલ્પેશકુમાર હરજીભાઈ સાથે વિક્રમ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા સાથે કામ કરવાનો એક વર્ષનો કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યો છે.
જેમાં ગણિત – વિજ્ઞાનના model નિર્માણ, વિવિધ પ્રયોગ, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે મળીને નિર્માણ કરવામાં આવશે. ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરે જણાવ્યું હતું કે ટંકારા તાલુકાની બીજી શાળાઓના બાળકોને પણ આ “Space Club” મુલાકાતે લઈ જવા માટેનું આયોજન કરવામાં આવશે, જેથી તાલુકાના બધા બાળકોનો ગણિત-વિજ્ઞાન વિષયમાં રસ વધે અને આગળ વધી શકે.
આ તકે શાળાના આચાર્ય કિરણબેન વસોયા, ગણિત-વિજ્ઞાન શિક્ષક પટેલ કલ્પેશકુમાર તેમજ શાળા ના શિક્ષકો ને ટંકારા તાલુકાનું ગૌરવ વધારવા બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, બી.આર.સી.કો-ઓર્ડિ. કલ્પેશભાઈ ફેફર તેમજ ટંકારા તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઇ દેસાઈ અને ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢીએ અભિનંદન પાઠવ્યા હતા.