મોરબી જીલ્લામાંમાં કોરોનાનો કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 20 શહેરોમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેમાં સાંજે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ આગામી 30 એપ્રિલ સુધી રહેશે. જેથી રાત્રિ કફર્યુનું પાલન કરવા મોરબી પોલીસ ચુસ્તપ અમલવારી કરાવી રહી છે. છતાં રાત્રિના સમયે પસાર થતાં અનેક લોકો હોસ્પીટલના બહાના બનાવી છટકવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ તમામ ડોક્ટરો અને હોસ્પિટલ મેનેજમેન્ટને રાત્રીના લોકો ઓછા નીકળે એ માટે વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.
જેથી ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ વિજય ગઢીયાએ જણાવ્યું હતું કે, ડોક્ટરો અને હોસ્પિટલ તેમજ તબીબી સેવાઓ સાથે જોડાયેલા તમામ લોકોને પોતાની સાથે જે તે મેનેજમેન્ટ દ્વારા આપેલા આઈડી કાર્ડ સાથે રાખવા અને દર્દીઓના સગાઓને પણ પોલીસે જાહેર કરેલા નિયમો મુજબ પોતાના આઈ કાર્ડ સાથે રાખવા જરૂરી છે અને સાથે જ બને એટલું કામ વિના બહાર ન નીકળવા પ્રયત્નો કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન દ્વારા આ મહામારી સામે લડવા લોકો પોતાની નૈતિક ફરજ સમજી નિયમોનું પાલન કરે અને પોલીસને પણ સાથ આપી પોતાની જવાબદારી સમજી જાગૃત રહેવા અપિલ કરવામાં આવી છે.