વાંકાનેરના રાજવી અને સુરેન્દ્રનગર લોકસભામાંથી સતત વિજેતા બનીને લોકસભાના સભ્ય તરીકે બહોળી લોકચાહના મેળવનાર દિગ્વિજયસિંહજી ઝાલાના જૈફ વયે થયેલા નિધન અન્વયે સદગત્તને ભાવાંજલી અર્પતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, દિગ્વિજયસિંહજી સ્વભાવે સાલસ, પ્રજા સાથે નિરાભિમાનીપણું ધરાવતા હતા. અને વ્યક્તિગત રીતે તેઓશ્રીના સાનિધ્યમાં આવવાના અનેક મોકા મળેલા ત્યારે મેં તેમની એક અલગ જ પ્રકારના રાજવી અને રાજકીય હસ્તી તરીકેની છાપ મહેસુસ કરી હતી.
તેઓ ખૂબ અભ્યાસું હતા. તેમજ પર્યાવરણ પરત્વે તેઓ ખૂબ જાગૃત હતા તેમની આ આભ્યાસુ અને પર્યાવરણ પ્રેમી તરીકેની વિશિષ્ટ છાપને કારણે ભારત સરકારમાં પર્યાવરણ ખાતાના કેન્દ્રિય મંત્રી તરીકે પણ ઉત્તરદાયત્વ નિભાવવાની તક સાંપડી હતી. આવા એક પ્રજા વત્સલ રાજવી અને જાહેર જીવનમાં અનોખી કેડી કંડારનાર રાજકીય મહાનુભાવની વિદાયની ખોટ વાંકાનેર પંથકને ખૂબ સાલશે. તેમના પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરી તેમના યુવરાજ કેશરીસિંહજીને ધારાસભ્યએ શોક સંદેશો પાઠવી તેમના પિતાજીના અવસાનથી ઊભી થયેલ ક્ષતીને પૂર્ણ કરવા લોક સેવામાં કાર્યરત રહેવા લાગણી વ્યક્ત કરી છે.