મોરબીમાં એસ.આઇ.પી. સ્કીમમાં નાણા રોકી સારા વ્યાજની લાલચ આપી માસ્ટર માઇન્ડ ઠગે મહિલા અને પુત્રોને રૂ. 61.21 લાખની છેતરપીંડી કરી હતી. આ બનાવમાં ઠગાઈનો ભોગ બન્યા બાદ મહિલા અને તેના પુત્રોએ પરત પૈસા માંગતા માસ્ટર માઇન્ડ ઠગે ફોન ઉપર ખૂન કરી મારી નાખવાની ધમકી આપી હોવાની મહિલાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કુલની પાછળ આવેલ શુભ હિલ્સ–એ બ્લોકનં.103માં રહેતા રંજનબેન નવલકુમાર ધર્મકાંતભાઇ ઝા (ઉ.વ.51) એ આરોપી નીખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (રહે. મોરબી, યમુનાનગર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દીકરા તથા સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લઇ એસઆઇપી સ્કીમમાં સારૂ વ્યાજ મળશે તેમ કહી પૈસા રોકવાની લાલચ આપી કટકે કટકે પૈસા લઇ તેમજ આટલા પૈસા બેન્ક ખાતામાં તેમજ રોકડા રખાય નહી ઇન્કમટેક્ષમાં પકડાય જશો તેમ કહી ઇન્કમટેક્ષનો ખોટો ફોન કરાવી ફરીયાદી તેમજ સાહેદોને છેતરી ફરીયાદી તેમજ સાહેદો પાસેથી રોકડ તેમજ આંગડીયા દ્વારા તેમજ બેન્ક દ્રારા પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કામના માસ્ટર માઇન્ડ નિખિલ ચંદારાણાએ કટકે-કટકે રૂ. 31,21,600 તથા મકાનના સોદાના રૂ. 30,00,000 મળી કુલ રૂ. 61,21,600 લઇ જતા ફરીયાદી તથા તેમના દિકરાઓએ આરોપી પાસેથી પૈસાની માગણી કરતા રૂબરૂ તેમજ ફોન ઉપર ગાળો આપી નિખિલે ખુન કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.