Friday, April 25, 2025

હવે…પરપ્રાંતિય શ્રમિક કર્મચારીઓ અને મજૂરોની વિગતો પોલીસ મથકે આપવી પડશે

Advertisement
Advertisement
Advertisement

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જણાવ્યું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં માં આપવાની રહેશે.

પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું મોબાઈલ નંબર, ધંધાનું સ્થળ, કામ રાખેલ કર્મચારી, કારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામ, સરનામુ, ઓળખ ચિન્હ, મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામ, સરનામું, સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૩૧/૧૨/૨૦૨૧સુધી કરવાનો રહેશે.

Related Articles

Total Website visit

1,502,422

TRENDING NOW