હળવદના શિરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના પ્લોટ પચાવી પાડવા અંગે હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહિતના ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તમામ છ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ કચેરી સિંચાઈ પેટા વિભાગ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર કિશનભાઈ લીમ્બડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, કાળુભાઈ માવજીભાઈ, વનરાજભાઈ રૂપાભાઇ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઇ, અનિલભાઈ અમરશીભાઈ અને ભાજપ મહામંત્રી સંજય રૂપાભાઇ (રહે.બધા શીરોઈ તા. હળવદ) વાળાએ શીરોઈ નવા ગામતળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુનઃ વસવાટ સિંચાઈ રાજકોટ હસ્તકની સરકારની હોય જે જમીનમાં આવેલ પ્લોટ ૩૨ થી ૩૯ ની જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર મકાનો બનાવી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જે ફરિયાદને પગલે પોલીસે તુરંત એક્શન લેતા ભાજપ અગ્રણી સહીત છ ઇસમોને ઝડપી લેવાયા છે.