મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન હત્યા, લૂંટ ચોરી જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં નજીવી બાબતે તકરારમાં પણ ખૂની ખેલાય જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યો છે. ત્યારે ફરી સમગ્ર મોરબી જિલ્લાને હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો છે. હળવદના ચરાડવા ગામે કેનાલમાંથી અજણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામ નજીક આવેલ કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે બનાવની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અજાણ્યા પુરૂષની ઉંમર અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની વયની જણાઈ રહી છે. જ્યારે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી બાદમાં મૃતદેહ સળગાવી દીધેલ હોય તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
બીજી તરફ હત્યાની આશંકાને પગલે હળવદ પોલીસ અને મોરબી એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ યુવાનની હત્યા થઇ છે કે નહિ તે સ્પષ્ટ થશે હાલ હત્યાની આશંકા સાથે તપાસ ચલાવવામાં આવી રહી છે.