(ડૉ.સુનિલ જાદવની ફેસબુક પોસ્ટ પરથી): મિત્રો, કૈક કરી દેખાડવાની ચાહત હોય… મંઝીલ પ્રાપ્ત કરવાનું ઝનૂન હોય તો માણસ ગમેતેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ધારેલું પરિણામ પ્રાપ્ત કરીને જ રહે છે. આવું જ કંઈક કરી દેખાડ્યું છે સ્કૂલની બહાર રેંકડી રાખી ચાય-પકોડા વેચવાવાળા અલ્તાફ શેખે. કારણ કે 2020ની UPSC પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારાઓની યાદીમાં અલતાફનું પણ નામ છે.
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બરામતી તાલુકાના નાનકડા એવા કાટેવાડી ગામના વતની અલ્તાફનું બાળપણ ખૂબ જ અભાવો અને સંઘર્ષ વચ્ચે વીત્યું. પોતાના શાળાના અભ્યાસ દરમિયાન ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સ્કૂલના કલાસ પુરા કરી અલ્તાફ પરિવારજનો સાથે સ્કૂલની બહાર એક રેંકડીમાં ચા અને ભજીયા વેચવાનું કામ પણ કરતો હતી. પરંતુ મનમાં નક્કી કરેલું કે હું આખી જિંદગી આ કામ નહીં કરું..!
અને આગળ અભ્યાસ માટે તેને ઇસ્લામપુરની નવોદય વિદ્યાલયમાં એડમિશન મળી ગયું. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી તેણે ફૂડ ટેકનોલોજીમાં બી.એ. કર્યું. ત્યારબાદ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા લાગ્યો. આ સમય દરમિયાન જ ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને સુનેત્રા પવારના પ્રયત્નોથી ગ્રામીણક્ષેત્રના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન અને તૈયારી માટે બરામતીમાં રાષ્ટ્રવાદી કેરિયર એકેડમી નામે કોચિંગ કલાસ શરૂ થયા. જેનો લાભ અલ્તાફ જેવા અનેક યુવાનોને મળ્યો. 2012થી અત્યાર સુધીમાં 50 જેટલા અધિકારીઓ આ એકેડમીએ આપ્યા છે. જેમાંનો અલ્તાફ પણ એક છે.
સૌ પ્રથમ 2015માં UPSC પાસ કરી અલ્તાફ કેન્દ્રીય ગૃહ વિભાગમાં ડેપ્યુટી એસ.પી. તરીકે જોઈન થયા. શરૂઆતમાં ઉત્તરપ્રદેશના સીતાપૂર જિલ્લામાં અને ત્યારબાદ ઉસ્માનાબાદમાં તેની બદલી થઈ. યોગ્ય સ્થાન માટે યોગ્ય રેન્ક મેળવવા અલ્તાફે હિંમત હાર્યા વગર 2020માં ફરીથી UPSC નીપરીક્ષા આપી અને સમગ્ર દેશમાં 545 રેન્ક સાથે ફરીથી UPSC ક્લિયર કરી અને IPS અધિકારી બન્યા હતા.
આપણા દેશમાં અલ્તાફ જેવું યુવાધન ગામેગામ ભર્યું પડ્યું છે. જરૂર છે યોગ્ય માર્ગદર્શન અને પારાવાર પરિશ્રમની. આપણા જેવી જ સાવ સામાન્ય સંઘર્ષમય પરિસ્થિતિમાંથી જ અલ્તાફ જેવા હજારો યુવાનો ટોચ ઉપર પહોંચી શક્યા છે. તો શું આપણે ન પહોંચી શકીએ..??? જરૂર પહોંચી શકીએ. એના માટે ઝનૂન જોઈએ.
મંઝિલે ઉન્હી કો મિલતી હૈ…
જિન કે સપનો મેં જાન હોતી હૈ.
વિદ્યાર્થી મિત્રો…
ફરીથી કહું છું, સપના જુઓ અને તેને સાકાર કરવા મંડી પડો…
તમારો જયજયકાર નિશ્ચિત છે.