મોરબીના સામાજિક ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને પ્રથમ પંક્તિના આગેવાન એવાશ્રી શિવલાલ ઓગણજાના થયેલ કરૂણ નિધન અન્વયે સદ્દગતને ભાવાંજલી અર્પતા મોરબી – માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યુ છે કે, શિવલાલભાઈ મોરબીની અનેક સામાજિક સંસ્થાઓ જેવી કે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, પાટીદાર સેવા સમાજ, સમૂહ લગ્ન સમિતિ, પાંજરાપોળ સહિત અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સક્રિય સંકળાયેલા હતા. તેઓ સ્વભાવે સાલસ, નિરાભિમાની અને મૂક રહીને લોકોનું કામ કરતાં હતા.
રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના પણ તેઓ જીવનપર્યંત ચેરમેન રહીને અનેક નાના માણસોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવામાં ઉપયોગી થયા હતા. સદ્દગત પુનમચંદ કોટક જેવા ભારતીય જનતા પાર્ટીના મહારથી સાથે તેમણે કાર્યકર્તા તરીકે આરંભેલી કારકિર્દી જીવનના અંત સુધી ભારતીય જનતા પાર્ટી પરત્વે વફાદાર રહીને એક અનોખી પક્ષ પ્રતિબધ્ધતા દેખાડી હતી. આવા અનેક ક્ષેત્રે સેવા આપી રહેલા શિવલાલભાઈની વિદાયથી મોરબીની અનેક સંસ્થાઓ અને જાહેર જીવનમાં એક ભારે મોટો ખાલીપો સર્જાયો છે. અંતમાં બ્રિજેશ મેરજાએ તેમના પરિવારને દિલસોજી પાઠવી સદ્દગત શિવલાલ ઓગણજાને ભાવવિભોર ભાવાંજલી અર્પી હતી.