Wednesday, April 23, 2025

સંધર્ષગાથા: “શ્યામ ડીસ ગોલા” વેંચતા અને સેન્ટીંગ કામ કરતા શ્રમિક પરિવારની ચાર દિકરીઓ બની પોલીસ

Advertisement
Advertisement
Advertisement

જામનગર: “મન હોય તો માળવે જવાય” આ કહેવતને જામનગરની ચાર દિકરીઓએ સાર્થક કરી બતાવી છે. ગોલાવાળા અને સેન્ટીંગ કામ કરતાં શ્રમિક પરિવારની હોનહાર ચાર પુત્રીઓ આર્થિક સંકળામણ, અગવડતાઓ અનેક સમસ્યાઓ વેઠીને પોલીસ વિભાગમાં ભરતી થઈને માતા-પિતાનું સપનું સાકાર કર્યું છે. સાથે જ પરિવાર અને પોલીસ ખાતાનું પણ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ચારેય દિકરીઓએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેની પાછળનો સંઘર્ષ પણ પ્રેરણાદાયી છે.

સેન્ટીંગ કામ કરતા અશોકભાઈ યાદવ (બૌદ્ધ) તથા તેમના પત્ની કંકુબેન અને પુત્રી ચંદ્રિકા

જામનગરના શંકરટેકરીમાં આવેલ સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ યાદવ (બૌદ્ધ)એ જણાવ્યું હતું કે, અમે પરિવારમાં હું, મારી પત્ની કંકુ અને ચાર દિકરીઓ તથા એક નાનો પુત્ર છે. હું વર્ષોથી સેન્ટીંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સતત મજૂરી કામ કરીને મેં મારી બંન્ને દીકરીઓને ભણાવી છે. અને આજે ચંદ્રીકા અને વિજયા બન્ને પુત્રીઓ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. એ વાતની મને ખુશી છે.

સેન્ટીંગમાં મજૂરી કામ કરતા અશોકભાઈ યાદવ (બૌદ્ધ)

અશોકભાઈ યાદવના સંઘર્ષમાં તેમના જીવનસાથી કંકુબેનનો પણ સાથ મળ્યો છે. અશોકભાઈએ બાળકોના અભ્યાસમાં જેમ વધુ જરૂરિયાત ઉભી થઈ તેમ-તેમ કલાકો સુધી વધુ મજૂરી કામ કર્યું. સાથે તેમના પત્ની કંકુબેન પણ કારખાનામાં કામ કરી પરિવારના ગુજરાનમાં અને બાળકોના અભ્યાસ ખર્ચ ઉઠાવવામાં આર્થિક સહાયક બન્યા હતા. અને હિંમત હાર્યા વિના બાળકોને ભણાવી મોટી દિકરી ચંદ્રિકા યાદવ અને બીજી પુત્રી વિજયા યાદવને કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરાવ્યા બાદ બન્ને દિકરીઓએ પોલીસ પરિક્ષા પાસ કરી. જ્યારે કોરોના કાળમાં લોકડાઉન બાદ તમામ કામ-ધંધા ભાગી પડ્યા હતા. અને મોંઘવારીમાં છૂટ્ટક-છવાયું કામ કરી મળી રહે જેથી ઘરનું ગાડું ગબડતું રહેતું તેમ અશોકભાઈ યાદવે જણાવ્યું હતું.

અશોકભાઈ યાદવ તથા તેમના પત્ની કંકુબેન અને પુત્રી વિજયા

ચંદ્રીકાબેન યાદવે જણાવ્યું હતું કે, મેં બી.એ.વીથ ઇકોનોમિક્સ સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતી રહી. અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી જાતે જ મોટા ભાગનું મૈનેજ કરવું પડતું હતું. ત્યારે શંકરટેકરીમાં ડો.બી.આર.આંબેડકર એજ્યુકેશન સપોટ સેન્ટર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિ:શુલ્ક ચાલતાં કલાસમાં અમે જતાં ત્યાં પણ મને ઘણું બધુ શીખવા મળ્યું. અને પોલીસ પરીક્ષા માટે ફોર્મ ભરી તૈયારી શરૂ કરી 2019માં પોલીસ પરીક્ષા આપી અને એમાં પાસ થઈ. પ્રેક્ટિકલ રનીંગ માટે ખૂબ જ મહેનત કરી, વહેલી સવારે ઉઠીને સતત પ્રેક્ટિસ કરતા હતા. પ્રેક્ટિસ દરમ્યાન પરીક્ષા નજીકના દિવસોમાં જ મારો એક પગ મચકાઇ ગયો. પગમાં ખૂબ જ સોજો આવી ગયો હતો. જેથી હવે શું થશે..? તેવી ચિંતા થઈ હું માયુસ થય ગય અને આંખોમાં આંસુ આવી ગયા. જોકે, હિંમત હાર્યા વિના મેં પરીક્ષા આપી અને બધુ સારૂ થય ગયું. અને હું હાલ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રેનીંગ પુરી કરી સીટી બી ડિવીઝનમાં કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું.

વિજયા યાદવ

જ્યારે ચંદ્રિકાબેન યાદવે વધુમાં જણાવ્યું હતું કે, મારી નાની બેન વિજયા યાદવ પણ પોલીસમાં છે. અને તેણે બી.કોમ સુધી અભ્યાસ કર્યા બાદ પોલીસ પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ જૂનાગઢ ખાતે ટ્રેનિંગ બાદ હાલ સુરત ખાતે કાર્યરત છે. અમને માતા-પિતા તથા જીતુભાઇ બૌદ્ધએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પિતાએ સતત અમને હિંમત આપીને પ્રોત્સાહન અને સહકાર આપ્યો છે. હું ઘરમાં મોટી હોવાથી ઘરની જવાબદારી, ઘરકામ, નાનાભાઈને ભણાવવાનું હોય છતાં તમામ કામ સાથે હું મારો પણ અભ્યાસ કરતી. અને આજે હું જે પણ છું એ ડો.બાબા સાહેબ આંબેડકરના કારણે જ છું. અંતમાં ચંદ્રીકા-વિજયાએ આ તમામ શ્રેય પોતાના માતા-પિતાને જાય છે. અને બન્ને બહેનોએ દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શ્યામ ડીસ ગોલા વેંચતા પ્રવિણભાઈ ધોળકીયા

જામનગરની ડીસીસી હાઇસ્કૂલ નજીક આવેલ જલારામ નગરમાં રહેતા અને ડીકેવી સર્કલ પાસે વર્ષોથી “શ્યાલ ડીસ ગોલા” નામે ગોલા વેંચતા પ્રવિણાભાઇ મનજીભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, મારે ચાર સંતાન છે જેમાં બે પુત્ર અને બે પુત્રીઓ છે. મોટો પુત્ર ઇલેકટ્રીક એન્જિનિયરિંગ કરે છે. જ્યારે નાનો પુત્ર અભ્યાસ કરે છે. અને પુત્રી પૂજા ધોળકીયા સીટી એ ડિવિઝનમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે નાની પુત્રી દીપાલી ધોળકીયા જે પોલીસ ભરતીમાં ઉર્તીણ થતાં જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાલ તાલીમ પુર્ણ કરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેવા આપે છે.

ત્યારે કઠીન પરિશ્રમ વેઠનાર પ્રવીણભાઈ ધોળકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં અનેક આર્થિક સંકળામણ વેઠી છે. અને આ મોંઘવારીમાં છોકરાઓનો અભ્યાસ ખર્ચ બધું પહોંચી વળવું બધું અધરૂ છે. છતાં મેં હિંમત હાર્યા વિના સતત કામ કરીને મારા બાળકોને ભણાવ્યા છે. જેનું આ પરિણામ મળ્યું છે. અને એક સમયે અઢીસો ગ્રામ તેલ લઈને દિવસો કાઢ્યા છે. અને પત્નીના દાગીના પણ વેંચી નાખ્યા હતા. ઘરની જવાબદારી વધુ અને આવક ઓછી હોવાથી બાળકોના ભણતરના ખર્ચેને પહોંચી વળવા તથા પરિવારનું ગુજરાન ચલાવવા મેં રાત-દિવસ કામ કર્યું છે. ઉનાળામાં ગોલા અને શિયાળામાં કાવો વેંચી પરિવારનું ગુજરાન ચલાવ્યું છે.

સીટી એ ડિવીઝનમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવતા પૂજા ધોળકીયાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી ઘરકામ તથાં પાપા પ્રવિણભાઈ વર્ષોથી ગોલાની લારી તેમજ રીક્ષા ચલાવી અને યથાત મહેનત કરીને અમને ભણાવી કાબિલ બનાવ્યા છે. અને મારા મમ્મી-પાપાનું સપનું હતું કે, નાનપણથી જે દુખ અમે જોયું છે તે દુખ અમારા બાળકોને ન જોવું પડે તેથી તેઓ જે મહેનત અને મજુરી કરી તેના કારણે અમે આ મુકામ પર છીએ તેનો તમામ શ્રેય અમારા માતા-પિતાને જાય છે.

પ્રવિણભાઈ ધોળકીયા તથા પત્ની જાગૃતિબેન અને પુત્રી પૂજા-દિપાલી

વધુમાં પૂજા ધોળકીયાએ જણાવ્યું હતું કે, જામનગર સીટી એ ડીવીઝન સ્ટાફ તથા અન્ય અધિકારીઓ પણ ઘણો સ્પોર્ટ કરે છે. અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં હું જામનગર પોલીસ ખાતામાં ફરજ બજાવી એ બાબતનો મને ગર્વ છે. મારા પિતાને શરૂઆતમાં લોકો કહેતા હતા કે, દિકરીઓને પોલીસ ખાતામાં નોકરી ન કરાવાય, પણ મારા પિતાએ લોકોની આવી નકારાત્મક માનસિકતા સામે ડર્યા વિના ડગલે-પગલે અમને સાથ-સહકાર આપ્યો છે. અમે બન્ને બહેનોએ ભણાવીને પોલીસ બનાવી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યુંએ બાબતની પણ અમને ખૂબ જ ખુશી છે.

પૂજા ધોળકીયા અને દિપાલી ધોળકીયાએ એમના માતા-પિતાએ જોયેલું સપનું સાકાર કર્યું છે. એ વાતનો એમને ગર્વ છે. અંતમાં તેમણે હંમેશા તેમના માતા-પિતા તરફથી સાથ-સહકાર મળ્યો છે. જેના કારણે આ મુકામ સુધી પહોચી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પુજા-દિપાલીના માતા-પિતા બાળકોને ગમે તેવી પરિસ્થિત હોય હિંમત ન હારવી જોઈએ તેમ કહેતા. જેના કારણે કઠીન પરિશ્રમ અને અને સમસ્યાઓ વેઠીને બન્ને બહેનોએ સફળતા પ્રાપ્ત કરી છે.

જ્યારે આ ચારેય દિકરી અને પરિવારના સંઘર્ષમય જીવન અન્ય લોકોને પણ પ્રોત્સાહિત અને પ્રેરણાદાયી છે. ત્યારે અથાત મહેનત થકી સફળતા મેળવનાર ચારેય મહીલા પોલીસને સલામ..

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW