ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને તેના વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ભારતીય સંસ્કૃતિ અનેક રીતે ભાગ ભજવે છે. ભારતમાં પ્રાચીન સમયથી ગણિત ક્ષેત્રે ઘણું કાર્ય થતું આવ્યું છે. આ કાર્યમાં વૈદિક ગણિત વિદ્યાર્થીઓના ગણિત વિષયના પાયાને મજબૂત બનાવવામાં અને તેનું સરળીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વૈદિક ગણિતનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં વિષય પરત્વેનો ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ વધારી શકાય છે. આથી વૈદિક ગણિતનો પરિચય કરાવવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ની ઉપરોક્ત બાબતો પર પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
૧) સ્કૂલ્સ ઓફ એક્સલન્સ (SoE) અંતર્ગત તબક્કાવાર પસંદ થનાર ૨૦,૦૦૦ સરકારી અને અનુદાનિત શાળાઓમાં વૈદિક ગણિતનો ફરજીયાત અમલ કરવાનો રહેશે. જ્યારે, અન્ય સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક ધોરણે અમલ કરવાનો રહેશે.
૨) શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી વૈદિક ગણિતનું તબક્કાવાર અમલીકરણ નીચે કરવાનું રહેશે.
• પ્રથમ તબક્કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬,૭ અને ૯
• બીજા તબક્કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૮ અને ૧૦૬
૩) શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રથમ તબક્કે ધોરણ ૭ અને ૯ માં અને પછીના વર્ષોમાં જરૂરિયાત મુજબ અન્ય ધોરણમાં પણ બ્રીજકોર્સ કરાવાનો રહેશે.
૪) અભ્યાસક્રમ અંગેની જરૂરિયાત મુજબની તાલીમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા યોજવાની રહેશે. ૫) ધોરણ ૬ થી ૮ માટેનું સાહિત્ય (Printed, Audio-Visual etc.) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા અને ધોરણ ૯ અને ૧૦ માટેનું સાહિત્ય (Printed, Audio-Visual etc.) ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), ગાંધીનગર દ્વારા તૈયાર કરવાનું રહેશે. ૬) શાળાઓમાં વૈદિક ગણિત આધારિત વિશેષ દિન ઉજવણી, ક્વિઝ અને કોયડા ઉકેલ જેવી વિવિધ સ્પર્ધાઓ અને ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની રહેશે.
૭) સદર સાહિત્યનું મુદ્રણ અને વિતરણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા કરવાનું રહેશે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,