શિક્ષક એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ..
શિક્ષકદિન નિમિત્તે 5મી સપ્ટેમ્બર મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન…
શિક્ષકો જ સમાજને સારા નાગરિક તૈયાર કરી આપે છે. વિદ્યાર્થીઓ એમના શિક્ષકોમાંથી ઘણી પ્રેરણા મેળવે છે. શિક્ષકો જ વિદ્યાર્થીઓમાં નવું નવું શીખવાની ભૂખ જગાડે છે.
વિશ્વમાં ગુરુનું સર્વોચ્ચ સ્થાન હોય છે અને તેમનું સન્માન સર્વોપરી છે.
ભારતમાં પણ શિક્ષકોના સન્માનમાં અનેક પ્રકારના સન્માન/પુરસ્કાર આપવામાં આવે છે.
રાજ્યના શિક્ષણ વિભાગ-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી- મોરબી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિન નિમિત્તે મોરબીની ધી. વી.સી. ટેક. હાઈસ્કૂલ ખાતે સવારે 9-30 કલાકે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન બી. પીપલીયાને સન્માનિત કરાશે. જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી વાંકાનેરના રાતીદેવળી પ્રાથમિક શાળાના ડો. પાયલ જે. ભટ્ટ, શક્તિપરા પ્રાથમિક શાલાના જીતેન્દ્રગિરિ એસ. ગોસ્વામી, ટંકારાની સજનપર પ્રાથમિક શાળાના ભારતીબેન પી. દેત્રોજા, ભુતકોટડા પ્રાથમિક શાળાના કલ્પેશકુમાર એમ. ધોરી, માળિયા (મિયાણા) તાલુકાની વવાણીયા કન્યા શાળાના આરતીબેન એ. ચોટાઈ અને હળવદની માથક પે સેન્ટર શાળાના મનદીપગિરિ જે. ગોસ્વામીને સન્માનિત કરવામાં આવશે.
આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, રાજકોટના સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, મોરબી-કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા હાજરી આપશે. આ ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, શિક્ષણ સમિતિ મોરબીના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર હાજર રહેશે. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી પણ હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.