વૃદ્ધાશ્રમ નહીં પણ વૃદ્ધતીર્થ : માનવતાવાદી સેવાયજ્ઞમાં જોડાયેલા રાજકોટના “દીકરાનું ઘર” અને સદભાવના વૃદ્ધાશ્રમો
જેમની આંગળી પકડીને જીવનપથની સફર શરુ કરી હોય, તેમના જીવનના અંતિમ તબક્કામાં ટેકણલાકડી બનવાની સંતાનોની નૈતિક ફરજ છે. : ટ્રસ્ટી મુકેશભાઈ દોશી
સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો આયખાના બાકી રહેલા દિવસો સુખ-શાંતિથી વીતાવતા જોવા મળે છે : સંચાલક અપેક્ષાબેન વ્યાસ
સરકારની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ યોજના સહિતની અનેક યોજનાઓ અમલ.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે તા. ૧ ઓક્ટોબરને ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે વરિષ્ઠ નાગરિકોનાં મહત્વને ઉજાગર કરવા માટે મનાવાય છે. જેમાં વર્ષ ૨૦૨૪ ની થીમ છે ‘ગૌરવ સાથે વૃદ્ધત્વ પામવું તેમજ વૃદ્ધો માટે કાળજી અને સહયોગની વ્યવસ્થાનું મજબૂતીકરણ’.
ભારતીય સંસ્કૃતિમાં વડીલો દેવતુલ્ય ગણાય છે. ગુજરાત સરકાર પણ વૃદ્ધાવસ્થાને સરળ બનાવવા વૃદ્ધોને સહાય કરવા તત્પર છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ યોજના સહિતની અનેક યોજનાઓ થકી વૃદ્ધોને આર્થિક સહાય આપવામાં આવે છે. માતા-પિતાને સાચવવામાં અચકાતા સંતાનોએ ‘ભૂલો ભલે બીજું બધું, માં-બાપને ભૂલશો નહીં..’ – આ પંક્તિને જીવનસૂત્ર બનાવી લેવું જોઈએ. વૃદ્ધોને જયારે ઘરના બદલે જીવવા માટે વૃદ્ધાશ્રમની આવશ્યકતા ઉભી થાય ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલા અનેક વૃદ્ધાશ્રમો વડીલોની કાળજીપૂર્વક સારસંભાળ રાખે છે. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ એ વૃદ્ધાશ્રમ નહીં પરંતુ વૃદ્ધતીર્થ સમાન તેમજ માનવતાવાદી સેવાયજ્ઞમાં જોડાયેલા “દીકરાનું ઘર” અને સદભાવના વૃદ્ધાશ્રમોની.
રાજકોટથી ૧૪ કીલોમીટરના અંતરે લોધીકા તાલુકામાં ઢોલરા ગામ ખાતે આવેલું ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ ૩ એકર જમીનમાં પથરાયેલું છે.
ખરેખર ‘દીકરાના ઘર’ની અનુભૂતિ કરાવતા સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી અને અગ્રણી મુકેશભાઈ દોશીએ જણાવ્યું છે કે વર્ષ ૧૯૯૮માં ૨૭ સપ્ટેમ્બરના દિવસે સ્વામી સચ્ચિદાનંદ અને મુખ્ય દાતા દીપચંદ ગાર્ડીના હસ્તે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં વડીલોની સેવા માતા-પિતા તરીકે કરવામાં આવે છે.અહીં વૃદ્ધોને ભૌતિક સુવિધા જ ઉપરાંત લાગણીના સંબંધો પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે. જરૂરિયાતમંદ, નિઃસંતાન, તરછોડી દીધેલા, આવકનું સ્ત્રોત ન હોય તેવા વૃદ્ધોને સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે.
ઉપરાંત, અહીં ભોજનાલય, વિશાળ લાયબ્રેરી, બગીચો, સ્ટોર રૂમ, ફોટો ગેલેરી, ગેમ ઝોનની વ્યવસ્થા છે. વૃદ્ધો ધ્યાન કુટીર અને ભારત માતાના મંદિરમાં શાંતિનો અનુભવ કરે છે. એટલું જ નહીં, પ્રાથમિક સારવાર અને અદ્યતન મીની આઇ.સી.યુ.ની સુવિધા પણ ઉપલબ્ધ છે.આમ, એક જ સ્થળે અનેક સુવિધા સાથે પારિવારિક વાતાવરણમાં વડીલો હળીમળીને જીવન જીવે છે.
તેઓ કહે છે કે હાલમાં આ વૃદ્ધાશ્રમ ખાતે ૨૭ ભાઈઓ અને ૩૩ બહેનો મળીને કુલ ૬૦ વડીલો રહે છે.અહી દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.વર્ષમાં હવાઈ, ટ્રેન અને દરિયાઈ મુસાફરી કરીને ૩ વખત જાત્રાનું આયોજન કરાય છે.નોંધનીય છે કે પેન્શન, આયુષ્માન કાર્ડ સહીત સરકારી સહાયનો લાભ વૃદ્ધોને આપવામાં આવે છે.આ સંસ્થા આર્થિક રીતે માત્ર દાન પર આધારિત છે.૨૬ વર્ષમાં આ આશ્રમની ૮ લાખથી વધુ લોકોએ મુલાકાત લીઘી છે, જેમાં તમામ ક્ષેત્રોના અગ્રણીઓનો સમાવેશ થાય છે.મુકેશભાઈ વૃદ્ધોના પરિજનોને સંદેશો આપતા કહે છે કે, આ દુનિયામાં માતા-પિતાથી વિશેષ કંઈ ન હોઈ શકે, જેમને જન્મ આપ્યો હોય તેની સેવા કરવી એ આપણો ધર્મ છે.આધુનિક સમયમાં સંયુક્ત કુટુંબની ભાવના લુપ્ત થતી જાય છે અને વિભક્ત કુટુંબો વધતા જાય છે.ત્યારે પશ્ચિમીકરણના આંધળા અનુકરણને બદલે યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને સંતાન તરીકેના કર્તવ્યને યાદ રાખવું જોઈએ.જેમની આંગળી પકડીને જીવનપથની સફર શરુ કરી હોય, તેમના જીવનના અંતિમ તબક્કામાં ટેકણલાકડી બનવાની સંતાનોની નૈતિક ફરજ છે. ત્યારે ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ વડીલો માટે આનંદાશ્રમ બન્યો હોવાનો અમને સંતોષ છે.
આ ઉપરાંત, અન્ય વૃદ્ધાશ્રમની વાત કરીએ તો રાજકોટમાં ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ સામે પીપળીયા ભવનમાં આવેલા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ ખાતે પ્રમુખ વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ અંદાજે ૩૦૦ ભાઈઓ અને ૨૫૦ બહેનો મળીને કુલ ૫૫૦ વડીલો આશરો લઇ રહ્યાં છે. આ વૃદ્ધાશ્રમનાં સંચાલક અપેક્ષાબેન વ્યાસ જણાવે છે કે, દાતાઓના સહયોગથી અહીં વડીલોને વિનામૂલ્યે
રહેવા-જમવા, તબીબી સારવાર સહીત તમામ જીવન જરૂરિયાતની સુવિધા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
લગભગ ૨૦૦ જેટલા પથારીવશ વડીલોની સેવા નાતજાતના ભેદભાવ વિના હરખભેર કરવામાં આવે છે. મોટા ભાગના વૃદ્ધોને સરકારી પેન્શનનો લાભ અપાય છે.અહીં જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ,પરિજનોની પુણ્યતિથિ,સામાજિક-ધાર્મિક તહેવારો વગેરે ઉજવવામાં આવે છે.
‘માનવસેવા એ જ પ્રભુસેવા’ની સદભાવના સાથે કાર્યરત આ વૃદ્ધાશ્રમના વડીલો આયખાના બાકી રહેલા દિવસો સુખ-શાંતિથી વીતાવતા જોવા મળે છે,જે અમને ખુશીની લાગણીનો અનુભવ કરાવે છે.ત્યારે આજે ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ નિમિત્તે વડીલોના ખરાં અર્થમાં સંતાન હોવાની ફરજ નિભાવતી તમામ સંસ્થાઓને વંદન કરવા જ રહ્યા…