મોરબી: ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે સોમવારે મોરબી જિલ્લાની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અવગત થયા હતા. આ સાથે જ મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ કાયદો અને વ્યવસ્થા પણ ઉત્તમ પ્રકારની રહે અને રાજ્યની શાંતિ અને સલામતી માટે પોલીસ વિભાગ કટિબદ્ધ હોવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લો ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેરની ટ્રાફિક સમસ્યાનું સમાધાન, લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી, યુવાધન નશાખોરીનું શિકાર ન થાય તે માટે એનડીપીએસ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં બાયોડિઝલના ગેરકાયદે વેપાર અંગે પણ કડક કાર્યવાહી કરવા અને મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા માટે એક્શન પ્લાન તૈયાર કરવા પણ તાકીદ કરી હતી.

મોરબી જિલ્લા પોલીસે સમગ્ર રાજ્યમાં નકલી રેમડેશિવિર ઇન્જેક્શન બનાવવાનું કૌભાંડ ઝડપી લઇ આંતરરાજ્ય ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસની સમગ્ર કામગીરીની સરાહના કરી પોલીસકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે જ હાલમાં જ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેનાર એ ડીવીઝનના પોલીસકર્મીને ચેમ્બરમાં રૂબરૂ બોલાવીને તેઓની સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય સરકારના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીથી અવગત થઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી સર્વેલન્સની કામગીરી નિહાળી પોલીસના “વિશ્વાસ” પ્રોજેક્ટ હેઠળ સર્વેલન્સની કામગીરી વધુ સઘન કરવા પણ તાકીદ કરી હતી.

મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો ઉપરાંત નાગરિક સુવિધા કેન્દ્ર, કાઉન્સેલીંગ સેન્ટર, સીપીસી કેન્ટીન સહિતની મુલાકાત લઇ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પણ મુલાકાત લઇ જિલ્લાના ટોંચના પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.
જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુનાઓની તપાસ, પ્રોહિબિશનની કામગીરી, મિલકત સંબંધી ગુનાઓ, ઘરફોડ ચોરી, પરપ્રાંતિય મજૂરો સંબંધી ગુનાઓ, પેટ્રોલીંગ, કોમ્બીંગ, શાંતિ સમિતિની બેઠક, પાસા એક્ટની કાર્યવાહી, તડીપાર, પ્રોહિબીશન, હથિયાર ધારા, અટકાયતી પગલાં સહિતના કેસો અંગેની મોરબી પોલીસની કામગીરીથી અવગત થઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સઘન બને તે માટે મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા.

રાજકોટ વિભાગના રેન્જ આઇજી સંદીપસિંહ તેમજ જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ રિવ્યુ મિટિંગ દરમિયાન મોરબી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલ માનવીય અભિગમ સાથેની કામગીરી અંગે મંત્રીને વાકેફ કર્યા હતા. મંત્રીએ મોરબી જિલ્લામાં કોરોના દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની પણ સરાહના કરી ટીમ મોરબી પોલીસનો જુસ્સો વધાર્યો હતો.
