આ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર યોજનાના કલેક્ટીંગ નેટવર્ક, હાઉસ કલેકશન તથા 2 વર્ષ મરામત અને નિભાવણીના કામો આવરી લેવામાં આવ્યા
આ યોજના અતંર્ગત 35 ટકા કામ પૂર્ણ, બાકીના કામો ડિસેમ્બર – ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રૂ. ૪૭.૬૫ લાખનો ખર્ચ થયો છે . કુલ મંજુર થયેલ કામ પૈકી ૩૫% કામ પૂર્ણ થયેલ છે, બાકીના કામો ડિસેમ્બર – ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વઘતી જતી શહેરીકરણની ઝડપ અને તે અન્વયે ઉપસ્થિત થયેલ પડકારોને પહોંચી વળવા રાજયના શહેરોના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવાઈ હતી.
આ યોજના અંતર્ગત વાંકાનેર નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના (ભાગ-ર) માં કલેકટીંગ નેટવર્ક, હાઉસ કનેકશન તથા ર વર્ષ મરામત અને નિભાવણીના કામો કરાયા છે.
આ ઉપરાંત મોરબી જિલ્લાની નગરપાલિકામાં કેટલી ક્ષમતાના STP(સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કામગીરી વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરમાં ૫.૮ MLDની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હળવદમાં ૬.૭ MLD અને માળીયા મિયાણામાં ૨.૫ MLDની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.